ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

નેપાળમાં ફરી ધરતી ધ્રુજી ઉઠી, 6.1 તીવ્રતાનો નોંધાયો ભૂકંપ

Text To Speech
  • કાઠમંડુથી લગભગ 55 કિમી દૂર નોંધાયો ભૂકંપ
  • નેપાળના ઘણા રાજ્યોમાં આંચકા અનુભવાયા
  • દિલ્હી-NCRમાં પણ જોરદાર આંચકા લાગ્યા

નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, 6.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ધરતીકંપનું કેન્દ્ર કાઠમંડુથી લગભગ 55 કિમી (35 માઇલ) પશ્ચિમમાં ધાડિંગમાં હતું. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ 13 કિમી (8.1 માઇલ) ની ઊંડાઈએ નોંધાયો છે. આ આંચકા બાગમતી અને ગંડક પ્રાંતના અન્ય જિલ્લાઓમાં પણ અનુભવાયા હતા, તેમજ દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ આવવાથી ચારેબાજુ અફરા-તફરી મચી ગઈ હતી. કાઠમંડુને અડીને આવેલા અન્ય ઘણા રાજ્યો ભૂકંપથી પ્રભાવિત થયા હતા. તાજેતરમાં નેપાળના સુદૂર પશ્ચિમી પ્રાંતમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય નેપાળની સરહદ સાથે જોડાયેલા બિહારના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લોકોએ સવારે ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું. ભૂકંપના આંચકાના કારણે સામાન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. ચારેેબાજુ ચીસાચીસનો માહોલ હતો. જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી.

નેપાળના 2015ના ભૂકંપે વિનાશ વેર્યો હતો

નેપાળમાં તિબેટીયન અને ભારતીય ટેકટોનિક પ્લેટો અથડાતા તેના સ્થાનને કારણે ભૂકંપ અસામાન્ય નથી. આ પ્લેટો પ્રત્યેક સદીમાં બે મીટરના અંતરે એકબીજાની નજીક જાય છે, જે દબાણ બનાવે છે અને ત્યારબાદ ભૂકંપ આવે છે. નેપાળને 2015માં 7.8 તીવ્રતાનો વિનાશક ભૂકંપ અને આફ્ટરશોક્સનો સામનો કરવો પડ્યો હતો, જેમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Back to top button