જૈનોના દિલોમાં પ્રાણસમા શ્રી શત્રુંજય મહાતીર્થ પાલિતાણા પર અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવી રહેલી કનડગત, તોડફોડ, ગેરકાયદે માઇનિંગ અને લૅન્ડ ગ્રૅબિંગની સામે સમગ્ર ભારતમાં જબરદસ્ત આક્રોશ અને એકતાનો માહોલ સર્જાયો છે. જૈન સંઘના અગ્રણીઓએ જણાવ્યુ છે કે જૈન સમાજનો આજ સુધી જોવા ન મળ્યો હોય એવો આક્રોશ તીર્થ રક્ષા માટે આબાલવૃદ્ધો અને મહિલાઓમાં ફેલાયો છે.
શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન
સમગ્ર દેશમાં જૈન સમાજ રેલી યોજાઈ છે. શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્લી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરાયું છે. ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદેસર દબાણો અટકાવવા જૈન સમાજની માગ છે. બિહારના સમ્મેદ શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવાનો આ મહારેલીનો હેતુ છે. અમદાવાદમાં પણ પાલડીથી આરટીઓ સુધી રેલી યોજાઈ હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા.
મહારેલીમાં લાખો લોકો જોડાઈને તીર્થ રક્ષાની માગણી સામે તેમનો અવાજ બુલંદ કરશે
દેશભરમાં ગઈકાલ સુધીમાં 72થી વધુ રેલીઓ યોજાઈ ગઈ છે અને આજની મહારેલીમાં લાખો લોકો જોડાઈને તીર્થ રક્ષાની માગણી સામે તેમનો અવાજ બુલંદ કરશે. વિશ્વભરની નજર આજે મુંબઈ અને અમદાવાદ પર સ્થિર થઈ છે. અમદાવાદ મહાસંઘ અને મુંબઈ જૈન સંગઠન દ્વારા આજની મહારેલીની મુખ્ય માગણી એક જ છે કે ઐતિહાસિક દસ્તાવેજો, અકબરનાં ફરમાનો અને ગુજરાત હાઈકોર્ટ તેમ જ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તળેટીથી શિખરજી સુધી સંપૂર્ણ અધિકાર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોનો છે.
ગિરિરાજ પર અન્ય ધર્મીનાં મંદિરોની સારસંભાળ અને વહીવટ શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જ કરવામાં આવે છે. અહીં કોઈ પણ જાતનું કામ કરવું હોય તો જૈનોની સંમતિ વગર ન થઈ શકે. સરકાર અને પ્રશાસન આ આદેશનું કડકપણ પાલન કરે તો જ સ્થાનિક અસામાજિક તત્ત્વો આ તીર્થ પર કબજો કરતાં અને દૂષણ ફેલાવાતાં રોકાય. આના માટે સરકારે કાર્યવાહી કરવાની જરૂર છે.
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ છે. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી. સમાજના હજારો લોકો રેલીમાં બેનર સાથે જોડાયા હતા. જૈન સમાજના સંતો પણ રેલીમાં જોડાયા છે. ભીષ્મ તપસ્વી પણ રેલીમાં જોડાયા છે. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. રેલી દરમિયાન લોકો સૂત્રોચ્ચાર કર્યા હતા.
3 કિમી કરતાં લાંબી રેલી યોજાઈ હતી. જેમાં 15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. રેલી આશ્રમ રોડ પહોંચી હતી. રેલીના કારણે એક તરફનો 3 કિમી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કલેકટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈન મુનિઓ બિરાજમાન થયા છે. જ્યારે હજારો લોકોની ભીડ રસ્તા પર નારા લગાવી રહી છે. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી રેલી દેખાઈ રહી છે.
આ પણ વાંચો : ભાવનગર : જૈનોના આસ્થાના પ્રતીક આદીનાથ દાદાના પગલાં તોડનારો આરોપી, જાણો કેમ આચર્યું હતું કૃત્ય