પ્રમુખ સ્વામી મહારાજની એક હાંકલમાં હજારો સ્વયંસેવકોની ફૌજ સેવા માટે ખડેપગે રહેતી
અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે યુવા સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ બીએપીએસ યુવા પ્રવૃત્તિના સ્વપ્નદ્રષ્ટા અને સંસ્થાપક હતા. તેમણે 1952 યુવા પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજે પણ લાખો યુવાનોને વ્યક્તિગત મળીને, તેમની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળી વિરાટ ચારિત્ર્યશીલ યુવાસમાજ નિર્માણ કર્યો હતો. તેમની આગેવાનીમાં 1990 માં વિદ્યાનગરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવમાં 25000 યુવાનોએ ભાગ લીધો હતો. 2013માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યુવા ષષ્ઠીપૂર્તિ મહોત્સવ યોજાયો હતો. આજે મહંતસ્વામી મહારાજની નિશ્રામાં બીએપીએસની 162 જેટલી માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં લાખો યુવાનો દ્વારા અભૂતપૂર્વ સેવાયજ્ઞ થઈ રહ્યો છે.
શતાબ્દી મહોત્સવમાં દ્રશ્યમાન થઈ રહી છે વિરાટ યુવાશક્તિ
હાલમાં અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં પણ વિરાટ યુવાશક્તિના દર્શન થઈ રહ્યા છે. આજની સંધ્યા કાર્યક્રમમાં સંસ્થાની યુવાપ્રવૃત્તિની ઝલક દર્શાવતો વિડીયો બતાવવામાં આવ્યો હતો. આ તકે BAPSના વિવેકમુનિ સ્વામી દ્વારા યુવાપ્રવૃત્તિના હેતુ, ઇતિહાસ અને પરિચય વિષયક પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,“બીએપીએસની યુવાપ્રવૃત્તિનો પાયો સને 1952માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે નાખ્યો હતો અને તેઓ યુવકો માટે કહેતા હતા કે, “યુવકો મારું હૃદય છે”. દરમિયાન મોરબી રેલ હોનારત વખતે પ્રમુખસ્વામી મહારાજની એક હાકલે 1500 જેટલા યુવકો રાહતકાર્યમાં જોડાયા હતા.
શિક્ષણ ક્ષેત્રે પણ યુવાપ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છાત્રાલય પ્રવૃત્તિનો પ્રારંભ યોગીજી મહારાજે યુવાપ્રવૃત્તિ દ્વારા કરાવ્યો હતો એ આજે ચૈતન્ય મંદિરો બની ગયા છે. પ્રમુખસ્વામી મહારાજે યુવા તાલીમ કેન્દ્રની શરૂઆત 2015માં કરી હતી જે આજે ચારિત્ર્યયુક્ત યુવાનોનું સર્જન કરી રહ્યું છે.” ત્યારબાદ યુવાપ્રવૃત્તિની ફળશ્રુતિ વિષયક વિડિયો બતાવવામાં આવી હતી.
કથાકાર જીજ્ઞેશ દાદાએ કહ્યું, બાપા યુગપુરૂષ હતા
સ્વામી મહારાજ નગર ખાતે ઉપસ્થિત કથાકાર જીજ્ઞેશ દાદાએ કહ્યું હતું કે, મારા માતાપિતા સમાન ગુરુ મહારાજ એવા પ્રમુખસ્વામી મહારાજને મારા પ્રણામ. પરમાત્માની શું શક્તિ છે અને પરમાત્મા શું કરી શકે છે તેને જોવું હોય તો તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર છે. પ્રમુખસ્વામી મહારાજના મેં ક્યારેય દર્શન નથી કર્યા, પરંતુ આજે સંતો અને હરિભક્તોને જોઈને મને તેમની દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે. માણસની હાજરીમાં તેના વખાણ થાય તે તો સામાન્ય કહેવાય પરંતુ માણસની ગેરહાજરીમાં તેના કરોડો લોકો વખાણ કરે તેવા પ્રમુખસ્વામી મહારાજ હતા અને મારા માટે તેઓ સાચા અર્થમાં “યુગપુરુષ” છે.
આજે કોણ-કોણ ઉપસ્થિત રહ્યું ?
આજના આ કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી નગર ખાતે અનુરાગ ઠાકુર, માહિતી અને દૂરસંચાર મંત્રી, ભારત સરકાર તેમજ ગજેન્દ્ર સિંઘ શેખાવત, જળ શક્તિ મંત્રાલય મંત્રી, ભારત સરકાર ઉપરાંત તેજસ્વી સૂર્યા, સાંસદ- લોકસભા, પ્રમુખ – ભારતીય જનતા યુવા મોરચા તેમજ વી. મુરલીધરન, કેન્દ્રીય રાજ્ય મંત્રી – એક્સટર્નલ અફેર્સ એન્ડ પાર્લમેન્ટરી અફેર્સ તથા ડૉ. સંબિત પાત્રા, રાષ્ટ્રીય પ્રવક્તા, BJP તેમજ કરણભાઈ અદાણી, પ્રોમોટર અને CEO, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) તથા જીનલભાઈ મહેતા, મેનેજિંગ ડિરેક્ટર – ટોરન્ટ પાવર ઉપરાંત દેવાંગ નાણાવટી, સિનિયર એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ તેમજ શંકરભાઇ ચૌધરી, સ્પીકર, ગુજરાત વિધાનસભા તથા ડૉ.બાલમુકુન્દ પાંડે, નેશનલ સેક્રેટરી, અખિલ ભારતીય ઇતિહાસ સંકલન તેમજ આલાપભાઈ દેસાઇ, વિખ્યાત કમ્પોઝર, ભારતીય ફિલ્મ જગત તથા પ્રોફ. રમેશ ચંદ્ર સિંહા, ચેરમેન – ઇંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસૉફિકલ રિસર્ચ તેમજ પ્રોફ. અરવિંદ જામખેડકર, પૂર્વ ચેરમેન, ઇંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસૉફિકલ રિસર્ચ તથા પ્રોફ.જટાશંકર તિવારી, મેમ્બર ઓફ કાઉન્સિલ, ઇંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસૉફિકલ રિસર્ચ તેમજ રાજીવ દુબે, ગ્રુપ પ્રેસિડેન્ટ (HR & Corporate Services), CEO (After-Market Sector) – મહિન્દ્રા & મહિન્દ્રા લિમિટેડ તથા સંદીપ ત્યાગી, Head-HR-Uflex કેમિકલ્સ અને પ્રવીણ નહાર, ડિરેક્ટર – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) ઉપસ્થિત રહ્યા હતા.