ગુજરાત

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનવા માટે વધુ એક ઉમેદવારનું નામ આવ્યું સામે, રાષ્ટ્રીય અધ્યક્ષને કરી અપીલ

કોંગ્રેસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ પણ નેતાઓની અંદર અંદરની લડાઈનો અંત આવી રહ્યો નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની પસંદગીમાં એક તરફ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે ત્યારે આ વચ્ચે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે પોતાના એક ટ્વિટથી પાર્ટી હાઇકમાન્ડને ચિંતામાં મુકી દીધા છે.

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે!, નવું નામ સામે આવ્યું

કોંગ્રેસના હાલમાં પ્રવક્તા મનહર પટેલે ટ્વિટ કર્યું કે, ખડગેને મારો સમ્માનજનક અનુરોધ છે, રાહુલ ગાંધીની ઈચ્છા અને ભાવના અનુસાર કોંગ્રેસમાં બદલાવ કરવામાં આવે.ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે કોંગ્રેસ નેતા મનહર પટેલનુ ટ્વિટઃ”અધ્યક્ષની નિમણૂંક પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા બદલાવ કરવામાં આવે, મલ્લિકાર્જુન ખડગેને મારો સમ્માનજનક અનુરોધ છે, રાહુલ ગાંધીની ઈચ્છા અને ભાવના અનુસાર કોંગ્રેસમાં બદલાવ કરવામાં આવે”

એક તરફ કોંગ્રેસમાં સતત ભંગાણ થઈ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તાએ ગુજરાત કોંગ્રેસના માળખામાં મોટા ફેરફારની વાત કરતાં રાજકરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જોવાનું રહ્યું કે કોંગ્રેસની ડૂબતી નાવની કમાન કોને સોંપવામાં આવે છે. આવનાર કોંગ્રેસ અધ્યક્ષ લોકસભાની ચૂંટણીમાં બદલાવ લાવશે કે 2019ના પરિણામનું પુનરાવર્તન કરશે. જો કે બીજી તરફ, કોંગ્રેસમાં આંતરિક ડખા એટલા વધ્યા છે કે જગદીશ ઠાકોર આ ગૂંચ ઉકેલવામાં પણ અસફળ રહ્યા છે. આવામાં હવે કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ મામલે ચર્ચાઓ ચાલી રહી છે.

GUJARAT CONGRESS

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની બાજી બગાડી છે તેમ માની શકાય છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત 17 બેઠકો જ મેળવી હતી. આ સાથે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાની પણ હાર થઈ છે. ત્યારે હવે કોંગ્રેસે વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાને જવાબદારી સોંપી છે. ત્યારે વિપક્ષ નેતા અને પક્ષ પ્રમુખ બંને OBC ચહેરાને કોંગ્રેસ પ્રાધાન્ય આપવાનું રિસ્ક નહીં લે. જેને પરિણામે પ્રદેશ અધ્યક્ષ બદલાય શકે છે.

કોંગ્રેસ અધ્યક્ષ માટે ક્યા નેતા મેદાનમાં ?

કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતના માળખામાં ગમે તે ઘડીએ ફેરફાર કરી શકે છે. જગદીશ ઠાકોરની જગ્યાએ હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. જોકે, ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે છે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે, ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનુ પદ આપી અને પાટીદાર સમાજના 2024માં મનામણાં કરી શકે છે.

Back to top button