સરકાર સામે એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ, હવે એસટી વિભાગનો વિરોધ


અમદાવાદ : રાજ્ય સરકાર સામે એક પછી એક વિરોધ પ્રદર્શન સામે આવી રહ્યા છે. હજી તો જૂની પેન્શન યોજના અંગેનો વિરોધ શાંત થયો નથી ત્યાં તો ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગનાં કર્મચારીઓ સહિત એસટી મજદૂર મહાસંઘના કર્મચારીઓ દ્વારા અનેક પડતર માંગણીઓના મુદ્દે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેમાં આજરોજ એસટી વિભાગના અનેક કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.

ગુજરાતમાં ગતરોજ સરકાર દ્વારા પેન્શન યોજના અંગે નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે એસટી નિગમના કર્મચારીઓ પોતાની અનેક પડતર માંગણીઓને લઇને આંદોલન કરી રહ્યા છે. ત્યારે તા 14ના રોજ સોશિયલ મિડીયા દ્રારા સરકારનો વિરોધ કરાયા બાદ હવે આજરોજને કાળી પટ્ટી બાંધીને એસટી વિભાગના કર્મચારીઓ ધરણા પ્રદર્શન ચાલુ કર્યો છે.
આ પણ વાંચો : ગાંધીનગર : પેન્શનની પળોજણ, ‘વિરોધ’ની દિવાળી !

એસટી નિગમના 44000 જેટલા કર્મચારી એકજૂથ થઈને લડત આપી રહ્યા છે. એસટી નિગમના કર્મચારીઓએ કેટલાક મહત્વના મુદ્દાઓ સાથે સરકારમાં રજુઆત કરી હતી પરંતુ, તેને કોઈ ઉકેલ નહીં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે જ્યાં સુધી તેમની અનેક માંગણીઓનો સ્વીકાર કરવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો : જૂની પેન્શન યોજના લાગુ કરવા રાજ્ય સરકાર સહમત, પણ શરતો લાગુ