વંદે ભારત ટ્રેનના અકસ્માત કેસમાં ભેંસ માલિક વિરુધ્ધ ગુનોં નોંધાયો
અમદાવાદમાં વંદે ભારત ટ્રેનના અકસ્માત કેસમાં ગુનો દાખલ થયો છે. શહેરના રસ્તાઓ પર તો રખડતા ઢોરોનો આતંક વધી ગયો છે જે હવે ટ્રેનને પણ ઢોર નડવા લાગ્યાં છે. ઘણીવાર એવું પણ બને છે કે ઢોરોને કારણે નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે ગતરોજને સવારે વંદે ભારત ટ્રેનને આડે ભેંસ આવતા અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં ટ્રેનના આગળનો હિસ્સો અલગ થઈલ ગયો હતો. ત્યારે પોલીસે RPFના વટવા ડિવિઝનમાં આ મામલે ભેંસના માલિક સામે ફરિયાદ નોંધી છે. રેલવેના પ્રતિબંધિત વિસ્તારમાં રખડતાં ઢોર ફરી રહ્યા હતા જેને લઈને સ્ટેશન માસ્તરે ફરિયાદ પણ નોંધાવી છે.
ટ્રેન ફૂલ સ્પીડમાં હતી
રેલવેના પાટા પર આવી ચઢેલી ગાયને જોતા જ ટ્રેનના ચાલકે ટ્રેનને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેન ફૂલ સ્પીડમાં હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત બાદ એન્જિનના આગળના હિસ્સાનું સમારકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.
ભેંસ એન્જિન સાથે અથડાઈ
ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને સવારે 11.15 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ટ્રેન વટવાથી મણિનગરના ટ્રેક પર ભેંસ આવી જતા એન્જિન સાથે અથડાઈ હતી અને તેમાં એન્જિનના આગળના ભાગે નુકસાન થયું હતું. જો કે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નુકસાન થયેલા ભાગને તાત્કાલિક સમારકામ કરી ટ્રેનને રવાના કરી હતી.
આ મામલે ગંભીરતા દાખવી રેલવે સુરક્ષા દળ દ્વારા ભેંસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે આરપીએફે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેટલાંક દિવસ પહેલાં નરોડામાં ઢોર રસ્તામાં વચ્ચે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે છતાં હજુ સુધી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.
આ પણ વાંચો:વંદે ભારત એક્સપ્રેસનું કરાયુ ટ્રાયલ: માત્ર 6 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોચાડશે