જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ગમખ્વાર અકસ્માત, બાળકી સહિત 3 મૃત્યુ પામ્યા
- ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે અકસ્માત થયો
- ઘટનાને અંજામ આપીને બોલેરો ચાલક કાર છોડીને નાસી ગયો હતો
- સમગ્ર બનાવને પગલે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથધરી છે
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા પાસે બોલેરો અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરોએ એક્ટિવાને કચડી નાખતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં હતા.
ઘટનાને અંજામ આપીને બોલેરો ચાલક કાર છોડીને નાસી ગયો હતો
ભેંસદડ ગામના એક દંપતી અને તેમની ચાર વર્ષની બાળકીનું મોત થતાં પરિવારમાં ભારે શોક ફેલાયો છે. જ્યારે ગમખ્વાર અકસ્માતની ઘટનાને અંજામ આપીને બોલેરો ચાલક કાર છોડીને નાસી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના દંપતીને એક્ટિવા પર વાપીથી પોતાના વતન જતા સમયે જાયવા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા, ઈનાબહેન ચોટલીયા અને નિષ્ઠાને ગંભીર ઈજા પહોંચી હતી.
સમગ્ર બનાવને પગલે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથધરી છે
ઘટના સ્થળે હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેમાં ત્રણેયને સારવાર અર્થે ધ્રોલ સરકાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે રસ્તામાં જ દંપતીએ દમ તોડ્યો હતો, જ્યારે તેમની ચાર વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના અંગે જાણ કરતાં મૃતકોના પરિવારના સભ્યો ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે સમગ્ર બનાવને પગલે ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો ક્યા શહેરમાં કેટલું તાપમાન ઘટ્યું