ડીસાના સમૌ ગામે બે બાઈક સામ-સામે ટકરાતા અકસ્માત
- ઇજાગ્રસ્ત બાઈકચાલકને સારવાર માટે ખસેડાયો
પાલનપુર 16 જાન્યુઆરી 2024: ડીસા તાલુકાના સમૌ ગામે બે બાઈક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પાછળ બેસનાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.
ડીસા તાલુકાના સમૌ ગામે બે બાઇક સામસામે ટકરાતા એક બાઈક ચાલકનું મોત થયું છે. જેમાં ભરતજી ઠાકોર અને તેના મિત્ર અમરતજી બદાજી ઠાકોર બાઇક પર ડેરીએ દૂધ ભરાવી ત્યાંથી બાઈકમાં પેટ્રોલ ભરાવવા નીકળ્યા હતા અને સમૌ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈક સાથે સામસામે ટકરાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઈક પર સવાર ચારેય લોકો રોડ પર પટકાયા હતા.
અકસ્માતમાં અન્ય બાઈક સવાર બે યુવકો અકસ્માત બાદ ત્યાથી નાસી ગયા હતા. જ્યારે બાઈકની પાછળ બેઠેલા અમરતજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક ભરતજી ઠાકોરને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો, તેમના પરિવારજનો અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોચ્યા હતાં અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમજ મૃતકની લાશને પણ ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી તેમના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : માંડલની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17થી વધુ દર્દીઓને આડઅસર થઈ