અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 8 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો

Text To Speech

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં લિફ્ટમાં ફસાઈ જતા 8 વર્ષના એક બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેના કારણે તેના પરિવારજનો ઉપર વજ્રઘાત થયો છે. રમતા રમતા 8 વર્ષનો બાળક લિફ્ટમાં જતો રહ્યો હતો. અચાનક લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો અને લિફ્ટ ચાલુ થઈ જતા બાળક ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની વચ્ચે ફસાઈ ગયો હતો. લિફ્ટની વચ્ચે માથું ફસાઈ જતા બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના અંગે ફાયર બ્રિગેડ અને 108 ઈમરજન્સીને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે બાળકને નીચે ઉતારી 108 મારફતે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થયું.

શું હતી આખી ઘટના ?

મળતી માહિતી મુજબ આજે સોમવારે સાંજે શાહીબાગ વિસ્તારમાં ડફનાળા પાસે આવેલા વસંત વિહાર-2 ફ્લેટમાં આર્ય કોઠારી (ઉ.8) નામનો બાળક તેના સી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રમી રહ્યો હતો. રમતા રમતા તે સીધો લિફ્ટમાં જતો રહ્યો હતો. લિફ્ટનો દરવાજો ખોલી અને ત્યારબાદ તે અંદર ગયો તે દરમિયાન અચાનક જ લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. જોકે, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની વચ્ચે ફસાઈ ગયો હતો. અચાનક જ લિફ્ટ ચાલુ થતા તેણે બૂમાબૂમ કરી હતી. પરંતુ લિફ્ટ ચાલુ થઈ જતાં પહેલા માળ સુધી પહોંચે ત્યાં તેનું માથું અને શરીર બંને ફસાઈ ગયું હતું.

ફાયર વિભાગની ટીમ પહોંચી હતી

ફ્લેટના લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનું માથું અને શરીર બંને ફસાયેલું હતું. જેથી ફાયરબ્રિગેડ અને 108 ઈમરજન્સીને જાણ કરવામાં આવી હતી. શાહપુર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ભાવેશ રાવત અને તેમની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. બાળક લિફ્ટની વચ્ચે ફસાયેલું હતું જેથી તેને બહાર કાઢી અને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

Back to top button