અમૂલ પહેલી વખત દેશની બહાર બિઝનેસ કરવા જઈ રહ્યું છે, હવે અમેરિકામાં પણ મળશે પ્રોડક્ટ્સ
- અમૂલે અમેરિકાના અનેક શહેરોમાં દૂધ વેચવાની કરી જાહેરાત
- ટૂંક સમયમાં અમેરિકામાં દહીં, છાસ પણ મળતા થશે
HD ન્યૂઝ ડેસ્ક, 26 માર્ચ: દેશની સૌથી મોટી ડેરી કંપની અમૂલ પ્રથમ વખત ભારતની બહાર દૂધનું વેચાણ કરશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એક સપ્તાહની અંદર યુએસ માર્કેટમાં દૂધની ચાર જાતો ઓફર કરશે. આ પહેલ દ્વારા, કંપનીનો ઉદ્દેશ્ય ભારતની બહાર રહેતા ભારતીયો અને એશિયનોની જરૂરિયાતો અનુસાર ઉત્પાદનો ઓફર કરવાનો છે.
અમેરિકન કંપની સાથે કરાર કર્યો
જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે અમે ઘણા દાયકાઓથી ડેરી ઉત્પાદનોની નિકાસ કરીએ છીએ. આ પહેલીવાર છે જ્યારે અમે ભારતની બહાર તાજું દૂધ આપી રહ્યા છીએ. વધુમાં માહિતી આપી હતી કે GCMMF એ 108 વર્ષ જૂની સહકારી સંસ્થા મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) સાથે યુએસ માર્કેટમાં તાજું દૂધ રજૂ કરવા માટે કરાર કર્યા છે. તેમણે કહ્યું કે દૂધનું કલેક્શન અને પ્રોસેસિંગ MMPA દ્વારા કરવામાં આવશે, જ્યારે GCMMF માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરશે.
આ પણ વાંચો: રાજકોટની અમૂલ કંપનીનો વિવાદઃ આહિર સેનાની આગેવાનીમાં કર્મચારીઓએ રેલી યોજી વિરોધ કર્યો
અમેરિકાના કયા શહેરોમાં અમૂલ ઉત્પાદનો ઉપલબ્ધ થશે?
મહેતાએ કહ્યું કે પ્રોડક્ટ અમારી હશે. એક સપ્તાહની અંદર અમૂલ ફ્રેશ, અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ સ્લિમ એન ટ્રીમ યુએસ માર્કેટમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે તાજું દૂધ ન્યુયોર્ક, ન્યુ જર્સી, શિકાગો, વોશિંગ્ટન, ડલ્લાસ અને ટેક્સાસ સહિતના અન્ય શહેરોમાં ઉપલબ્ધ થશે. GCMMF આ પહેલ દ્વારા NRI અને એશિયન વસ્તીને ધ્યાનમાં રાખશે.
પનીર અને છાશ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે
જ્યારે વેચાણ લક્ષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે GCMMF આગામી 3-4 મહિના માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે અમને ગ્રાહકો તરફથી સારા પ્રતિસાદની અપેક્ષા છે. મહેતાએ જણાવ્યું હતું કે જીસીએમએમએફ નજીકના ભવિષ્યમાં પનીર, દહીં અને છાશ જેવા તાજા દૂધ ઉત્પાદનો પણ આસાનીથી મળતા થશે.
આ પણ વાંચો: શું 31 માર્ચે રવિવારે બેન્કો ખુલ્લી રહેશે? RBIએ સર્ક્યુલર જારી કર્યો