AMTS: અધિક માસમાં ધાર્મિક પ્રવાસ બસ સેવા શરૂ, નક્કી કરો તમારો રૂટ
- AMTSની ધાર્મિક બસ સેવા અધિક માસથી શરૂ
- આ સેવાનો લાભ શ્રદ્ધાળુઓ શ્રાવણમાં પણ લઇ શકશે
- રૂ. 2400ના ભાડામાં આખી બસ બુક થઇ શકશે
આજથી અધિક શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો હોવાથી હિન્દુઓના આ પવિત્ર મહિના નિમિત્તે AMTSના સત્તાવાળાઓ દ્વારા ધાર્મિક પ્રવાસ બસ સેવાનો પ્રારંભ કરાયો છે. અધિક મહિના બાદ આવનારા શ્રાવણ માસ નિમિત્તે પણ આ બસ સેવાનો લાભ શ્રદ્ધાળુઓ લઈ શકશે. તંત્ર દ્વારા પ્રતિબસ રૂ. 2400નું ભાડું નક્કી કરાયું હોવાથી એક બસમાં વધુમાં વધુ 40 શ્રદ્ધાળુઓ બેસી શકશે.
AMTSના ચેરમેન વલ્લભ પટેલ આ અંગે કહે છે, તંત્ર દ્વારા ધાર્મિક પ્રવાસ બસ યોજના હેઠળ કુલ પાંચ રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પહેલો રૂટ જનરલ છે. બીજો અને ત્રીજો રૂટ પશ્ચિમ વિસ્તારને સાંકળતો છે, જ્યારે ચોથો અને પાંચમો રૂટ પૂર્વ વિસ્તારને આવરી લેનારો છે.
કયા કયા મંદિરોના દર્શન કરી શકાશે?
આ બસ સેવાના રૂટમાં જલારામ મંદિર, હરેકૃષ્ણ મંદિર-ભાડજ, વૈષ્ણોદેવી મંદિર, ત્રિમંદિર, વિશ્વ ઉમિયાધામ-જાસપુર, કેમ્પ હનુમાન મંદિર, નરોડા બેઠક, સિદ્ધવિનાયક મંદિર-મહેમદાવાદ, લાંભા મંદિર, સોમનાથ મહાદેવ-ગ્યાસપુર, ઈસ્કોન મંદિર, પારમેશ્વર મહાદેવ-બોડકદેવ, સોલા ભાગવત વિદ્યાપીઠ, મહાકાળી મંદિર-દૂધેશ્વર, નીલકંઠ મહાદેવ-અસારવા, ભીડભંજન હનુમાન, ચકુડિયા મહાદેવ, જગન્નાથજી મંદિર, ગુરુગોવિંદધામ, તિરુપતિ બાલાજી, અક્ષરપુરુષોત્તમ મંદિર, અસારવા બેઠક, કર્ણમુક્તેશ્વર મહાદેવ, ભદ્રકાળી મંદિર, તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણાનો સમાવેશ થાય છે.
શું રહેશે રૂટનો સમય ?
AMTS ચેરમેનના જણાવ્યા અનુસાર સવારના 8.15થી સાંજના 4.45 વાગ્યાની નિશ્ચિત સમય મર્યાદામાં શ્રદ્ધાળુઓ પોતાની અનુકૂળતા મુજબના રૂટ બનાવી શકશે. શ્રદ્ધાળુ ઈચ્છે તો બે-ત્રણ મંદિરમાં બેથી ત્રણ કલાક સુધી દર્શનનો લાભ લઈ શકશે. ફક્ત તેમણે સાંજના 4.45 વાગ્યા સુધી જ્યાંથી પ્રવાસ શરૂ કર્યો હોય તે સ્થળે પાછા પહોંચી જવું પડશે. બસ શ્રદ્ધાળુઓને જ્યાંથી લઈ જશે તે સ્થળે પાછા લાવશે.
સેવાનો લાભ લેવા કોનો સંપર્ક કરવો?
આ બસ સેવાના નોડલ ઓફિસર તરીકે આસિસ્ટન્ટ મેનેજર જનક રાવલ (93282 77104) છે. લાલ દરવાજા માટે ભરત પટેલ (70690 29943), મૂકેશભાઈ (76984 89187), રમણલાલ (70418 78313), મણિનગર માટે જનક રાવલ (93282 77109), પ્રવીણભાઈ (97125 84259), સારંગપુર માટે ઈનચાર્જ (22140050), સૂર્યકાન્ત ચિતાણિયા (99090 39086), ભાથીજી ખોટ (84690 01154) અને વાડજ માટે સ્ટર્લિન ક્રિશ્ચિયન, હર્ષદ પટેલ (99240 00166)નો સંપર્ક કરવો.
આ પણ વાંચોઃ તુલસીના છોડ સાથે કયારે ન કરજો આ ભૂલ