અમદાવાદ, 30 જાન્યુઆરી 2024, શહેરમાં લાલબસ તરીકે જાણીતી AMTSનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા વર્ષ 2024-25નું રૂ.641 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે.નાગરિકોને AMTS, બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર, અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવશે
અમદાવાદ શહેરમાં 7 જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવશે. AMCની કુલ 1052 જેટલી બસોમાંથી 1020 બસો ઓન રોડ દોડશે. જેમાં 895 બસો ખાનગી ઓપરેટરની દોડશે. 125 બસો મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે પરંતુ તેને ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ચલાવવામાં આવતી AMTS બસના મુસાફરોને બસની જાણકારી માટે દરેક બસ ટર્મિનસ ઉપર PIS (પબ્લિક ઈન્ફર્મેશન સિસ્ટમ) મૂકવામાં આવશે.
ટર્મિનસ ઉપર હવે ક્યુઆર કોડ મૂકવામાં આવશે
શહેરમાં પ્રવાસીઓને બસના રૂટોની માહિતી આપવા માટે દરેક ડેકોરેટિવ બસ સ્ટેન્ડ ઓફ ટર્મિનસ ઉપર હવે ક્યુઆર કોડ મૂકવામાં આવશે. જેથી તમામ પ્રવાસીઓને બસની માહિતી મળી રહેશે. બહાર ગામથી એસટી બસમાં મુસાફરી કરી અમદાવાદ આવતા અને બહાર જવા માટે મુસાફરોની સગવડ માટે ફિઝિબિલિટી સ્ટડી પ્લોટ મેળવવામાં આવશે અને ત્યાં બસ પોર્ટ ઊભા કરવામાં આવશે.
ચાલુ વર્ષે 353 કરોડનું દેવું વધ્યું
AMTSના વર્ષ 2023-24ના બજેટમાં પગાર, પેન્શન અને એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ પાછળ રૂ. 335 કરોડ, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રૂ. 410 કરોડની લોન લેવામાં આવશે. AMTSનું ચાલુ વર્ષનું દેવું રૂ. 4223 કરોડ સુધી પહોંચ્યું છે. ગત વર્ષે 3870 કરોડનું દેવું હતું આમ ચાલુ વર્ષે 353 કરોડનું દેવું વધ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જાહેરાતો અને મુસાફરોની ટિકિટ મારફતે કુલ 227 કરોડ રૂપિયાની આવક મેળવવામાં આવશે.
આ પણ વાંચોઃગુજરાતમાં આ ગંભીર બીમારીથી પીડાતાં દર્દીઓ માટેના ઈન્જેક્શનની અછત