અમરેલીની પાટીદાર દીકરી પ્રકરણઃ પાયલને જામીન મળ્યા, નોકરીની ખાતરી પણ
અમરેલી, 3 જાન્યુઆરી, 2025: ગુજરાતના બહુ ચર્ચિત લેટરકાંડ (Amreli letter kand) કેસમાં ધરપકડ કરાયેલી યુવતીને છેવટે જામીન મળ્યા છે. સાથે મળતા અહેવાલ મુજબ આ યુવતીને સહકારી બેંકમાં નોકરી આપવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. જોકે પોલીસે એ પ્રકરણમાં ધરપકડ કરાયેલી અને ટાઈપીસ્ટનું કામ કરતી દીકરીનું સરઘસ કાઢ્યું ત્યારે વિવાદ વકર્યો હતો એટલું જ નહીં પરંતુ એ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું.
દરમિયાન, આજે શુક્રવારે એ પાયલ ગોટી નામની એ યુવતીની જામીન અરજીની સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા છે. સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો કોર્ટના સંકુલમાં એકત્ર થયા હતા અને કોર્ટનો ચુકાદો આવતા જ કોર્ટ પરિસરમાં ઉપસ્થિત લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.
સેશન્સ કોર્ટ દ્વારા પંદર હજારના અંગત બોન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા છે. જો યોગ્ય સમયે તમામ કાર્યવાહી થઈ જશે તો આજે જ પાયલ ગોટી જેલમાંથી મુક્ત થઈ જશે. આવતીકાલે શનિવારે આરોપ મુક્ત કરવાની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ સાથે મળતા અહેવાલ મુજબ, પાયલને સહકારી બેંકમાં નોકરી આપવાનું પણ આશ્વાસન મળ્યું છે. કહેવાય છે કે, કેટલાક રાજકીય આગેવાનોએ દિલીપ સંઘાણીને રજૂઆત કરી હતી જેને પગલે બેંકની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. બેંકના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. પાયલને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી મળશે. દીકરીને ફરી સન્માન મળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ “ખેલ મહાકુંભ ૩.૦”નો ઉદ્દઘાટન સમારંભ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે યોજાશે