અમરેલીઃ એક જ પરિવારનાં ચાર બાળકો કારમાં ગૂંગળાઈ ગયાંઃ જાણો પૂરી ઘટના
અમરેલી, 4 નવેમ્બર, અમરેલીનાં રાંઢીયા ગામે હૈયું કંપાવે એવી ઘટના બની છે. પરપ્રાંતિય પરિવારનાં ચાર બાળકોનાં કારમાં ગુંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. કારનો દરવાજો લોક થઈ જતાં બાળકો બહાર નીકળી શક્યા ન હતા. પરપ્રાંતીય પરિવારના 4 બાળકોના મૃત્યુ થતા અરેરાટી પ્રસરી જવા પામી છે, એક જ પરિવારના 2 દીકરી અને 2 દીકરાના ગૂંગળાઈ જવાથી મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નવા વર્ષના પ્રારંભે જ અમરેલી જિલ્લામાં કરૂણ ઘટના ઘટી છે. અમરેલી જીલ્લામાં સામે આવેલ એક કિસ્સો માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. અમરેલી જિલ્લાના રાંઢિયા ગામમાં મધ્ય પ્રદેશનો એક પરિવાર સાત બાળકો સાથે મજૂરકામ અર્થે આવ્યો હતો. માતા-પિતા અન્ય ગામે મજૂરી કામે ગયા હતા તે દરમિયાન તેમના ચાર સંતાન વાડી પાસે રમી રહ્યા હતા. રમતા રમતા બાળકોના હાથમાં વાડીમાલિકની કારની ચાવી આવી ગઈ અને એ ચાવીથી કારનો દરવાજો ખોલીને બાળકો અંદર બેસીને રમી રહ્યાં હતા. એવામાં કારના દરવાજા લોક થઇ ગયા હતા અને બાળકોનો શ્વાસ રૂંધાઈ જતા મૃત્યુ પામ્યા હતા.
સાંજે માતા-પિતા પરત ફર્યા ત્યારે બાળકો કારમાં બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. વાડીના માલિકને જાણ કરતા તેઓ બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે બનાવ સ્થળે દોડી આવી હતી પરંતુ ત્યાં સુધી બાળકો મૃત્યુ પામ્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ બન્યો તે સમયે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ઠંડી પહેલાં માવઠાની સંભાવનાઃ જાણો આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે