ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલ ભલે ફ્લોપ જઈ રહ્યો હોય. છેલ્લાં ત્રણ વર્ષમાં તેના બેટમાંથી એક પણ ફોર્મેટમાં સેન્ચુરી ન નીકળી હોય, પરંતુ તે આજે પણ સોશિયલ મીડિયામાં તરખાટ મચાવી રહ્યો છે.
33 વર્ષનો કોહલી પોતાની દરેક ઈન્સ્ટા પોસ્ટથી 8 કરોડ રૂપિયા કમાય છે. આ સાથે જ તે સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મની એક પોસ્ટથી લગભગ સૌથી વધુ કમાણી કરનાર એશિયાનો નંબર-1 સ્પોર્ટ્સ સેલિબ્રિટી બની ગયો છે.
કોહલીથી વધુ પોર્ટુગલનો ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાનો સ્ટાર લિયોનલ મેસી જ કમાણી કરે છે. Hopperhq.com દ્વારા હાલમાં જ પોતાની 2022ની રિચ લોકોની યાદી જાહેર કરી છે, જેમાં કોહલીનો નંબર 14મો છે. તો પ્રિયંકા ચોપડા 27માં સ્થાન પર છે.
રિચલિસ્ટમાં 14માં નંબરે, એશિયામાં સૌથી વધુ
વિરાટ આ સોશિયલ પ્લેટફોર્મની રિચ લિસ્ટમાં 14માં નંબરે છે. તે ટોપ-15માં સામેલ એકમાત્ર ભારતીય છે. તેના સિવાય એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા 27માં નંબરે છે. પ્રિયંકા દરેક પોસ્ટથી 3 કરોડની કમાણી કરી લે છે. સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તે દરેક પોસ્ટથી 19 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેને પહેલું સ્થાન મળ્યું છે. જ્યારે લિયોનલ મેસી એક પેડ પોસ્ટથી 14 કરોડ રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી લે છે.
કોહલીના 20 કરોડ ફોલોઅર્સ
ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 20 કરોડ ફોલોઅર્સ છે. તે આટલાં ફોલોઅર્સ ધરાવતો દુનિયાનો પહેલો ક્રિકેટર છે. આ પ્લેટફોર્મમાં સૌથી વધ ફોલોઅર્સની વાત કરવામાં આવે તો દુનિયભરના ખેલાડીઓમાં સૌથી ઉપર પોર્ટુગલનો સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ આવે છે. તેના 442 મિલિયન એટલે કે 40.40 કરોડ ફોલોઅર્સ છે. રોનાલ્ડો પછી આર્જેન્ટિનાના સ્ટાર લિયોનલ મેસી છે. તેને 327 મિલિયન એટલે કે 32 કરોડ ફેન્સ ફોલો કરે છે. આ યાદી કોહલી ત્રીજા નંબરે છે, તેના 20 કરોડો ફોલોઅર્સ છે. તો બ્રાઝીલનો સ્ટાર ફુટબોલર નેમાર જુનિયર 174 મિલિયન એટલે કે 17 કરોડ ફોલોઅર્સ ધરાવે છે.
ઈંગ્લેન્ડ ટૂરમાં માત્ર 76 રન જ બનાવ્યા છે કોહલીએ
વિરાટ કોહલી છેલ્લાં ત્રણ વર્ષથી સૌથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તે ઈંગ્લેન્ડની પિચ પર સંઘર્ષ કરતો જોવા મળ્યો. ઈંગ્લેન્ડ ટૂરમાં વિરાટે એક ટેસ્ટ, 2 ટી-20 ઈન્ટરનેશનલ અને 2 વનડેની કુલ 6 ઈનિંગમાં 76 રન જ બનાવ્યા છે. તો વિરાટ IPLમાં પણ કંઈ ખાસ પરફોર્મન્સ નથી દેખાડી શક્યો. ગત સીઝનમાં કોહલીએ 16 ઈનિંગમાં માત્ર 294 રન બનાવ્યા હતા.
વિરાટે છેલ્લાં ત્રણ વર્ષમાં એક પણ સેન્ચુરી નથી ફટકારી. તેને છેલ્લી 12 ઈનિંગમાં 227 રન જ બનાવ્યા છે.