દેશમાં અમીબાનું સંક્રમણ વધ્યું, અત્યાર સુધીમાં 22 લોકોએ ગુમાવ્યા જીવ
- 14 દિવસના ગાળામાં મગજમાં સોજો આવે છે જેના કારણે દર્દીનું મૃત્યુ થાય છે
- કેરળમાં અત્યાર સુધીમાં આઠ દર્દીઓ મળી આવ્યા અને તમામ મૃત્યુ પામ્યા
નવી દિલ્હી, 06 જુલાઈ : કેરળના કોઝિકોડમાં મગજ ખાતી અમીબાએ 14 વર્ષના બાળકનો જીવ લીધો. મૃદુલ નામનો આ બાળક એક નાનકડા તળાવમાં નહાવા ગયો ત્યાર બાદ તેને ચેપ લાગ્યો. આ રોગ એમોબીક મેનિન્ગોએન્સફાલીટીસ (પીએએમ) તરીકે ઓળખાય છે, જે નેગલેરીયા ફાઉલેરી નામના અમીબાથી થાય છે. જ્યારે આ અમીબા પાણી દ્વારા શરીરમાં પહોંચે છે, ત્યારે માત્ર ચાર દિવસમાં તે માનવ ચેતાતંત્ર એટલે કે મગજ પર હુમલો કરવાનું શરૂ કરે છે. 14 દિવસના ગાળામાં મગજમાં સોજો આવે છે જેના કારણે દર્દીનું મૃત્યુ થાય છે. આ વર્ષે કેરળમાં આ રોગથી આ ત્રીજું મૃત્યુ છે.
અત્યાર સુધીમાં 22 લોકોના મૃત્યુ નિપજ્યા
આ પહેલા પણ દેશની વિવિધ હોસ્પિટલોમાં એમોબિક મેનિન્ગોએન્સફાલીટીસ રોગના કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અનુસાર, કેરળથી હરિયાણા અને ચંદીગઢ સુધી અત્યાર સુધીમાં 22 લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી 2021 પછી છ મૃત્યુ નોંધાયા છે. કેરળમાં પહેલો કેસ 2016માં સામે આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં અહીં આઠ દર્દીઓ મળી આવ્યા છે અને તમામના મૃત્યુ થયા છે.
2019 સુધીમાં દેશમાં 17 કેસ નોંધાયા હતા
નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, વર્ષ 2019 સુધી દેશમાં આ રોગના 17 કેસ નોંધાયા હતા, પરંતુ કોરોના રોગચાળા પછી, ઘણા પ્રકારના ચેપમાં વધારો થયો છે. તેથી આ રોગમાં અચાનક વધારો થવા પાછળ કદાચ આ એક કારણ હોઈ શકે છે. 26 મે, 2019 ના રોજ, હરિયાણામાં આઠ મહિનાની બાળકીમાં આ રોગ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ 10 સૈનિકોને કીર્તિ ચક્ર, 26ને શૌર્ય ચક્રથી કર્યા સન્માનિત
હજુ સુધી આ રોગની કોઈ દવા કે રસી નથી
ICMRના ડૉ. નિવેદિતા કહે છે… અત્યાર સુધી આ રોગને રોકવા માટે કોઈ દવા કે રસી ઉપલબ્ધ નથી. આમ છતાં ભારતમાં અત્યાર સુધીમાં સાત દર્દીઓને મૃત્યુના મુખમાંથી બચાવી લેવામાં આવ્યા છે. આ માટે વિવિધ પ્રકારની એન્ટિબાયોટિક્સ આપીને સારવાર કરવામાં આવે છે, જેના માટે સમયસર રોગની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે.
2019 માં બહાર પાડવામાં આવેલા દિલ્હી AIIMSના એક અભ્યાસમાં, માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. બિજય રંજને જણાવ્યું હતું કે ચેપની વિરલતા હોવા છતાં, વિશ્વભરમાં 400 થી વધુ કેસ નોંધાયા છે. 1968 થી 2019 સુધી, એકલા અમેરિકામાં 143 દર્દીઓ મળ્યા, જેમાંથી 139 મૃત્યુ પામ્યા. પાકિસ્તાનમાં 2008 થી 2019 દરમિયાન 147 દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે યુરોપમાં 24 અને ઓસ્ટ્રેલિયામાં 19 કેસ મળી આવ્યા છે. જો એશિયાની વાત કરીએ તો પાકિસ્તાન, ભારત અને થાઈલેન્ડમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે.
અમીબા ઉત્તર ભારતની ધરતીમાં છે : AIIMS
વર્ષ 2015 માં નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ડોકટરોએ પ્રથમ વખત શોધ્યું કે ઉત્તર ભારતની જમીનમાં ઘણા પ્રકારના અમીબા મોજૂદ છે, જેમાંથી નેગલેરિયા ફાઉલેરી એમેબિક મેનિન્ગોએન્સફાલીટીસ રોગનું કારણ છે. 2012 અને 2013 ની વચ્ચે હરિયાણાના રોહતક અને ઝજ્જરમાં 107 જળાશયોની તપાસ કરતી વખતે ડૉક્ટરોએ આ શોધી કાઢ્યું હતું. 107 પાણીના નમૂનામાંથી અમીબા મળી આવ્યું હતું.
આ પણ વાંચો : પંજાબમાં શિવસેનાના નેતા સંદીપ થાપરની હત્યાનો પ્રયાસ, 6 શખસોની ધરપકડ