અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી કરાયા સન્માનિત
- લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરે અમિતાભને આપ્યો એવોર્ડ
- એઆર રહેમાન અને રણદીપ હુડ્ડાનું પણ આ વિશેષ પુરસ્કારથી કરાયા સન્માન
મુંબઈ, 25 એપ્રિલ: અમિતાભ બચ્ચનને 24 એપ્રિલે લતા મંગેશકરના પિતા અને થિયેટર-સંગીતના દિગ્ગજ દિનાનાથ મંગેશકરના સ્મૃતિ દિવસે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બિગ બી સાથે સ્ટેજ પર શિવાંગી કોલ્હાપુરે, રણદીપ હુડા, એઆર રહેમાન પણ આ વિશેષ પુરસ્કારથી સન્માન કરાયા હતા.
અમિતાભ બચ્ચનને 24 એપ્રિલે દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરે અમિતાભને પોતાના હાથે એવોર્ડ આપ્યો હતો. બિગ બીને સંગીત, કલા, સંસ્કૃતિ અને સામાજિક કાર્યમાં તેમના અજોડ યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
અમિતાભે લતા મંગેશકરને યાદ કરતા મરાઠી કવિતા સંભળાવી
આ અવસર પર અમિતાભ બચ્ચને ગાયિકા લતા મંગેશકરને યાદ કરીને પોતાના ભાવનાત્મક વિચારો શેર કર્યા હતા. અમિતાભે લતા મંગેશકરને યાદ કરતા મરાઠી કવિતા પણ સંભળાવી હતી. બિગ બીએ કહ્યું- ‘જ્યારે પણ હું લતાજીને મળ્યો કે જ્યારે પણ તેઓ મારા પરિવારને મળ્યા ત્યારે તેમનો પ્રેમ અને લાગણી કંઈક અલગ જ હતી’. અમિતાભે કહ્યું કે, ‘લતાજીના કારણે જ તેમને ઈન્ટરનેશનલ શોમાં પરફોર્મ કરવાની તક મળી હતી.’ અભિનેતાએ જણાવ્યું કે ન્યૂયોર્કમાં આયોજિત એક શોમાં લતાજીએ તેમને સ્ટેજ પર ફિલ્મ ‘લાવારિસ’નું ગીત ‘મેરે અંગને મેં..’ ગાવાની તક આપી હતી.