નક્સલવાદ અંગે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- ‘2-3 વર્ષમાં ખતમ થઈ જશે આ સમસ્યા’
- જ્યારથી છત્તીસગઢમાં અમારી સરકાર બની છે ત્યારથી લગભગ 125 નક્સલવાદીઓ માર્યા ગયા છે અને 352થી વધુની ધરપકડ કરી છે: અમિત શાહ
દિલ્હી, 26 મે: નક્સલવાદને લઈને દેશના ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં નક્સલવાદની સમસ્યા આગામી બે-ત્રણ વર્ષમાં ખતમ થઈ જશે. તેમણે દાવો કર્યો કે છત્તીસગઢના એક નાના વિસ્તારને છોડીને સમગ્ર દેશ આ ખતરાથી મુક્ત થઈ ગયો છે.
નક્સલ કોરિડોરમાં માઓવાદીઓની હાજરી નથીઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે પશુપતિનાથથી તિરુપતિ સુધીના કહેવાતા નક્સલ કોરિડોરમાં માઓવાદીઓની હવે કોઈ હાજરી નથી. તેમણે કહ્યું, ‘દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ રહ્યો છે. ક્યારેક કેટલાક લોકો પશુપતિનાથથી તિરુપતિ સુધીના નક્સલ કોરિડોરની વાત કરતા હતા. હવે ઝારખંડ નક્સલવાદીઓથી સંપૂર્ણપણે મુક્ત છે. બિહાર સંપૂર્ણ આઝાદ થઈ ગયું. ઓડિશા, તેલંગાણા અને આંધ્રપ્રદેશ પણ સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે.
જ્યારથી ભાજપે સત્તા સંભાળી ત્યારથી નક્સલવાદીઓથી મુક્ત કરવાનું કામ શરૂ કર્યું છે: અમિત શાહ
અમિત શાહે વધુમાં કહ્યું, ‘છત્તીસગઢ સંપૂર્ણપણે મુક્ત થયું નથી અને ત્યાંના કેટલાક ભાગોમાં નક્સલવાદીઓ હજુ પણ સક્રિય છે કારણ કે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસની સરકાર હતી. તેમણે કહ્યું કે જ્યારથી રાજ્યમાં ભાજપ સરકારે પાંચ મહિના પહેલા સત્તા સંભાળી છે ત્યારથી છત્તીસગઢને નક્સલવાદીઓથી મુક્ત કરવાનું કામ શરૂ થઈ ગયું છે.
125 નક્સલવાદીઓ માર્યા ગયા, 352થી વધુની ધરપકડ
અમિત શાહે કહ્યું કે, ‘જ્યારથી છત્તીસગઢમાં અમારી સરકાર બની છે, ત્યારથી લગભગ 125 નક્સલવાદીઓ માર્યા ગયા છે, 352થી વધુની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 175 લોકોએ આત્મસમર્પણ કર્યું છે. આગામી 2 વર્ષ કે 3 વર્ષમાં દેશ નક્સલ સમસ્યાથી મુક્ત થઈ જશે.’
આ પણ વાંચો: છત્તીસગઢમાં વધુ એક એન્કાઉન્ટર, બે નક્સલી ઠાર, હથિયારો અને દારૂગોળો કર્યા જપ્ત