મણિપુર હિંસા: લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે અમિત શાહે કહ્યું- મને સમજાતું નથી કે વિપક્ષ….
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે તેઓ મણિપુરના મુદ્દા પર સંસદમાં ચર્ચા માટે તૈયાર છે. વિપક્ષના સાંસદ મણિપુરના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યાં છે. આ મુદ્દાને લઈને ચોમાસું સત્રની શરૂઆતથી જ સતત હંગામો થઈ રહ્યો છે.
સોમવારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “વિપક્ષના તમામ સન્માનિત સભ્યોને મારો આગ્રહ છે કે એક ખુબ જ સંવેદનશીલ મુદ્દા પર ઘણા બધા સભ્યો-સત્તાધારી પાર્ટી અને વિપક્ષના બંને તરફના સભ્યોએ ચર્ચા કરવાની માંગ કરી છે. હું સંસદમાં ચર્ચા માટે તૈયાર છું.”
અમિત શાહે પ્રશ્ન કરતા કહ્યું કે, “મને સમજાતું નથી કે વિપક્ષ આના પર કેમ ચર્ચા કરવા દઇ રહ્યું નથી. મારો વિપક્ષના નેતાઓને આગ્રહ છે કે ચર્ચા થવા દે અને આ મહત્વપૂર્ણ મુદ્દા પર આખા દેશ સામે સત્યતા આવે તે ખુબ જ મહત્વપૂર્ણ છે.”
ગૃહમંત્રી અમિત શાહેના નિવેદન વચ્ચે પણ વિપક્ષના સાંસદ સતત નારા લગાવી રહ્યાં હતા. તે પછી લોકસભાની કાર્યવાહીને મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને આખા ચોમાસું સત્ર દરમિયાન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો- 7 કરોડ લોકો માટે સારા સમાચાર; કેન્દ્ર સરકારે કરી PF પર વ્યાજ વધારવાની જાહેરાત
મણિપુરમાં મહિલાઓના યૌન ઉત્પીડનનો વીડિયો વાયરલ થયા પછી વિપક્ષી પાર્ટી સંસદમાં આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યાં છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે, આ મુદ્દા પર પીએમ નરેન્દ્ર મોદી સંસદમાં નિવેદન આપે.
પીએમ મોદીએ ચોમાસું સત્રના પહેલા દિવસે સંસદ બહાર મણિપુરમાં મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરવાની ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું હતુ કે, આનાથી દેશની બેઇજ્જતી થઈ રહી છે.
પીએમ મોદીએ મણિપુર ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાન અને છત્તીસગઢમાં મહિલાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.
પીએમ મોદીના નિવેદન પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતુ કે, પીએમ મોદી કોંગ્રેસ શાસિત રાજ્યોનું નામ લઈને આના ઉપર પણ રાજનીતિ કરી રહી રહ્યાં છે.
આ પણ વાંચો- હિંસાની માર: ડરમાં લોકો છોડી રહ્યાં છે ઘર-બાર; મણિપુર પછી મિઝોરમમાં પણ હાઇ એલર્ટ