ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમિત શાહે બુધવારે લોકસભામાં કહ્યું, ગુરુવારે તો ખરડો રજૂ પણ કરી દીધો! જાણો શું છે?

  • અમિત શાહે બુધવારે લોકસભામાં વાયનાડ દુર્ઘટના પર ચર્ચા દરમિયાન આ સત્રમાં સુધારેલું ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલ લાવવાનું કહ્યું હતું 

નવી દિલ્હી, 1 ઓગસ્ટ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે લોકસભામાં વાયનાડ દુર્ઘટના પર ચર્ચા-વિચારણા કરી હતી. આ ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, “આ સત્રમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર બિલ લાવવામાં આવશે.” જેના 24 કલાકની અંદર જ અમિત શાહે પોતાનું વચન પૂરું કર્યું અને બીજા જ દિવસે એટલે કે આજે ગુરુવારે સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. સરકારે લોકસભામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ (સુધારા) બિલ, 2024 રજૂ કર્યું, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005માં સુધારો કરે છે.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ગૃહમાં આ બિલ રજૂ કર્યું. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને તૃણમૂલ કોંગ્રેસના સૌગત રોયે તેનો વિરોધ કર્યો હતો. જો કે, બિલને ધ્વનિ મતથી રજૂ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ શું કહ્યું?

આ પહેલા આ બિલની રજૂઆતનો વિરોધ કરતા કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આરોપ લગાવ્યો હતો કે, “આ બિલમાં રાજ્ય સરકારના અધિકારોનું અતિક્રમણ કરવામાં આવ્યું છે. સરકારે સમવર્તી યાદીમાં સુધારો કરવો જોઈએ અને યોગ્ય એન્ટ્રી કરવી જોઈએ જેથી કરીને આપત્તિના વિષયને યોગ્ય રીતે આવરી લેવામાં આવે.” તિવારીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંદર્ભમાં કાયદાકીય સત્તાઓને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. રાજ્ય સરકારોને મ્યુનિસિપલ સંસ્થાઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની સ્થાપના કરવાની મંજૂરી આપવા માટેના બિલમાં જોગવાઈનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “દિલ્હી અને ચંદીગઢને તેમાંથી બહાર રાખવામાં આવ્યા છે. સરકારે આ અંગે સ્પષ્ટતા આપવી જોઈએ.”

તૃણમૂલ કોંગ્રેસના સૌગત રોયે ઉઠાવ્યો વાંધો

તૃણમૂલ કોંગ્રેસના સૌગતા રોયે કહ્યું કે, “બિલ મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે બહુવિધ ઓથોરિટી બનાવવાથી વિરોધાભાસની સ્થિતિ વધશે.” જેના પર કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, “યોગ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા માટે વધુ સંસ્થાઓ બનાવવાની જોગવાઈ છે. આ વિધેયક ઘણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિષ્ણાતોની સલાહ અને સૂચનોને ધ્યાનમાં લઈને અને તેમની ચિંતાઓને ધ્યાનમાં લઈને લાવવામાં આવ્યું છે.” ત્યારબાદ ગૃહે ધ્વનિ મત દ્વારા બિલની રજૂઆતને મંજૂરી આપી હતી.

આ પણ જુઓ: ગેનીબેન અમિત શાહને મળ્યા, સરહદ નજીકના 3 જિલ્લાઓમાં BADPની ગ્રાન્ટ ફાળવવા માગ કરી

Back to top button