ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

આસામથી શાહના કૉંગ્રેસ પર વાર, કહ્યું-‘કૉંગ્રેસના રાજમાં માત્ર હિંસા જ ફેલાઈ’

Text To Speech

આસામના પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, ભાજપના શાસન દરમિયાન આસામ અને પૂર્વોત્તર ભારતમાં શાંતિ સ્થપાઈ છે અને રાજ્યો વિકાસપથ ઉપર આગળ વધી રહ્યા છે. દેશમાં કોંગ્રેસના સાત દાયકાના રાજમાં પૂર્વોત્તર ભારતને માત્ર હિંસા અને અરાજકતા જ મળ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારમાં પૂર્વોત્તરના રાજ્યો મુખ્ય પ્રવાહ સાથે જોડાયા છે. ભાજપની સરકાર આવ્યા બાદ અહીંયા વિકાસ થયો છે.

અમિત શાહ, જે.પી. નડ્ડા, સર્બાનંદ સોનોવાલ. હિમંત બિસ્વ શરમા અને અન્ય આગેવાનોની હાજરીમાં ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીના નામે બનેલી આ છ માળની ઈમારતમાં અનેક સુવિધાઓ અને સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈંદિરા ગાંધીનો વિરોધ કરાતા અમને માર મરાયો હતો- શાહ

આ દરમિયાન શાહે ચાર દાયકા પહેલાની એક ઘટના યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે, ચાર દાયકા પહેલાં હું વિદ્યાર્થી પરિષદના સભ્ય તરીકે અહીંયા એક કાર્યક્રમમાં આવ્યો હતો ત્યારે અહીંયાના તત્કાલિન મુખ્યમંત્રીએ લોકો ઉપર હિંસા આચરી હતી. અમે લોકો ઈંદિરા ગાંધી અને કટોકટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે તત્કાલિન સીએમ હિતેશ્વ સૈકિયાએ અમને લોકોને ખૂબ માર માર્યો હતો. તે વખતે કલ્પના પણ નહોતી કરી કે ભાજપની સ્થાપના થશે અને બે વખત તે અમે જીતી જઈશું.

લોહી, લાગણીઓ અને મહેનતથી સિંચાયું છે નવું કાર્યાલય- શાહ

શાહે વધુમાં જણાવ્યું કે, અહીંયા બનેલું આ નવું કાર્યાલય માત્ર ઈંટો, રેતી કે પથ્થરથી બનેલી ઈમારત નથી. ભાજપના કાર્યકર્તાઓની આટલા વર્ષોની મહેનત, લોહી, પરસેવો અને લાગણીઓથી સિંચાયેલી આ ઈમારત છે. કાર્યકર્તાઓના સમર્પણ, ભાવના, પ્રતિબદ્ધતાની આ નિશાની છે. શાહે કહ્યું કે, ભાજપ સરકારે 9000 લોકોને હથિયારો હેઠા મુકાવીને સમર્પણ કરાવીને શાંતિની સ્થાપના કરાવી હતી. પીએમ મોદીએ આ વિસ્તારોના વિકાસ માટે અથાક પ્રયાસ કર્યા અને બજેટમાં પણ ત્રણ ગણો વધારો કર્યો. તેમના દિશા-નિર્દેશ અને સ્થાનિક નેતાઓ તથા કાર્યકર્તાઓના પ્રયાસથી અહીંયા માળખાગત વિકાસ થયો છે.

Back to top button