ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમિત શાહ એડિટેડ વીડિયો કેસ: તેલંગાણાના CM સહિત 8ને નોટિસ, 1ની ધરપકડ

  • પોલીસે તમામને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા અને તેમના મોબાઈલ લાવવા માટે પણ કહ્યું 

નવી દિલ્હી, 30 એપ્રિલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણના એડિટેડ વીડિયો કેસમાં પોલીસે કોંગ્રેસના એક કાર્યકરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આ ધરપકડ આસામમાંથી કરવામાં આવી છે. જ્યારે દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડી સહિત 8 લોકોને નોટિસ ફટકારી છે. આ 8 લોકોમાંથી 3 ઉત્તર પ્રદેશના છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેલંગાણાના મુખ્યમંત્રી સહિત 8 લોકોને નોટિસ આપવામાં આવી છે. દરેકને પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને દરેકને તેમના મોબાઈલ લાવવા પણ કહેવામાં આવ્યું છે.

 

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીએ સોમવારે કહ્યું હતું કે, “તેઓ સોશિયલ મીડિયા પર ફરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના એડિટેડ વીડિયોના સંબંધમાં તપાસ માટે તેમને દિલ્હી પોલીસ દ્વારા નોટિસ જારી કરવાથી ડરતા નથી.”

તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયો

અહેવાલોમાં દિલ્હી પોલીસના સૂત્રોને ટાંકીને જણાવ્યા અનુસાર, આ કેસની તપાસનો વ્યાપ ઘણા રાજ્યોમાં ફેલાયેલો છે. એડિટેડ વીડિયોની તપાસ માટે ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, નાગાલેન્ડ જવા માટે દિલ્હી પોલીસની અલગ-અલગ ટીમ રવાના થઈ ગઈ છે. યુપીમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભા ઉમેદવારને નોટિસ આપવામાં આવી છે અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઝારખંડ (રાંચી) કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર્તા અને નાગાલેન્ડના કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર્તાને દિલ્હી પોલીસે નોટિસ આપી છે. આ તમામને પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ સિવાય મુંબઈમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટનો પણ ઉલ્લેખ છે.

સમગ્ર મામલો શું છે?

હકીકતમાં, અમિત શાહનો એક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, જો ભાજપની સરકાર બનશે તો તેઓ SC, ST અને OBCની અનામત ખતમ કરી દેશે. ફેક્ટ ચેકમાં આ વીડિયો ફેક સાબિત થયો છે, જે બાદ પોલીસ ગૃહ મંત્રાલયની ફરિયાદના આધારે કાર્યવાહી કરી રહી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની એક ટીમ તેલંગાણામાં છે અને ટીમે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીને નોટિસ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા છે.

ડરતા નથી: તેલંગાણાના મુખ્યમંત્રી

કર્ણાટકના સેડમમાં કોંગ્રેસની રેલીને સંબોધતા રેડ્ડીએ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી ચૂંટણી જીતવા માટે ED અને CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કરતા હતા અને હવે તેઓ દિલ્હી પોલીસનો પણ ઉપયોગ કરી રહ્યા છે. રેડ્ડીએ કહ્યું કે, તેમને માહિતી મળી છે કે દિલ્હી પોલીસના જવાનો હૈદરાબાદમાં તેલંગાણા કોંગ્રેસના મુખ્યાલય પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ કરવામાં આવી હતી, (તેઓ) આ સંદર્ભમાં નોટિસ સાથે તેલંગાણા ગાંધી ભવન (રાજ્ય કોંગ્રેસ મુખ્યાલય) પહોંચ્યા કે અમે તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ અને તેલંગાણાના મુખ્યમંત્રી (રેવન્ત રેડ્ડી)ની ધરપકડ કરીએ છીએ.” રેડ્ડીએ દાવો કર્યો હતો કે, ભાજપ તેલંગાણા અને કર્ણાટકમાં ચૂંટણી હારી જશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો.

અહેવાલમાં સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીને 1 મેના રોજ સોશિયલ મીડિયા પર ફેલાતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ‘એડિટેડ’ વીડિયોના સંબંધમાં તપાસમાં સામેલ થવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રેવન્ત રેડ્ડીએ આ વીડિયો ‘X’ પર પોસ્ટ કર્યો હતો. પૂછપરછ દરમિયાન, રેડ્ડીને તેનો મોબાઈલ ફોન સાથે લાવવા માટે કહેવામાં આવ્યું છે જેનો ઉપયોગ ‘X’ પર ‘નકલી’ વીડિયો શેર કરવા માટે કરવામાં આવ્યો હતો. રેડ્ડી કોંગ્રેસના તેલંગાણા એકમના અધ્યક્ષ પણ છે.

આ પણ જુઓ: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, જાણો સમગ્ર કાર્યક્રમ

Back to top button