T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

છૂટાછેડાની અફવાઓ વચ્ચે હાર્દિક પંડ્યાની લાગણીસભર પોસ્ટ વાયરલ થઇ

29 મે, ન્યૂયોર્ક: સર્બિયન એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિક સાથે પોતાના છૂટાછેડાની અફવાઓ વચ્ચે હાર્દિક પંડ્યાની એક પોસ્ટ X ઉપર વાયરલ થઇ ગઈ છે. ટીમ ઇન્ડિયા હાલમાં આવનારા T20 World Cup માટે ન્યૂયોર્કમાં જોરશોરથી પ્રેક્ટીસ કરી રહી છે અને હાર્દિકની નવી પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે હાર્દિક પણ ટીમ સાથે જોડાઈ ગયો છે.

ટીમ ઇન્ડિયાના બે બેચ એક પછી એક ન્યૂયોર્ક જવા રવાના થયા હતા. પ્રથમ બેચમાં કેપ્ટન રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ હતા જ્યારે બીજા બેચમાં સંજુ સેમસન સાથે રાજસ્થાન રોયલ્સના તેમજ બાકીનાં ખેલાડીઓ સામેલ હતા. પરંતુ આ બંને બેચમાં ક્યાંય હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી દેખાયા ન હતા.

બાદમાં BCCI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વિરાટ કોહલી કૌટુંબિક કારણોસર 30 તારીખે ન્યૂયોર્ક જવા રવાના થશે, જ્યારે હાર્દિક પંડ્યા કોઈ અજાણ્યા સ્થળેથી ન્યૂયોર્ક જવા નીકળી ચૂક્યો છે. હાર્દિક પંડ્યા હાલમાં એક ભાવનાત્મક સંઘર્ષ કરી રહ્યો છે અને તેને કારણે IPLમાંથી તેની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ નીકળી જવાનાં તુરંત બાદ તે કોઈ અજાણ્યા સ્થળે વેકેશન ગાળવા નીકળી ગયો હતો.

ત્યારબાદ હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા છૂટાછેડા લઇ રહ્યા છે તેવા સમાચારો પણ વાયરલ થઇ ગયા હતા. પરંતુ હવે પોતાના છૂટાછેડાની અફવાઓ વચ્ચે હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા સાથે ન્યૂયોર્કમાં પ્રેક્ટીસ કરતો નજરે પડ્યો છે.

હાર્દિકે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર પોસ્ટ કરી છે જેમાં તે ટીમ ઇન્ડિયાના સભ્યો જેવા કે શુભમન ગિલ, સૂર્ય કુમાર યાદવ, શિવમ દુબે, અક્ષર પટેલ તેમજ હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે પ્રેક્ટીસ સેશનમાં ભાગ લઇ રહેલો નજરે પડે છે.

છેલ્લા બેથી ત્રણ મહીના હાર્દિક પંડ્યા માટે ખૂબ કઠીન રહ્યા છે. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ જોઈન કર્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સે તેને લગભગ દરેક IPL મેચમાં ટ્રોલ કર્યો હતો અને તેના માટે અપમાન કરતી ભાષાનો પણ સતત ઉપયોગ કર્યો હતો.

આટલું ઓછું હોય તેમ મુંબઈ ઇન્ડિયન્સ જે IPLની પાંચ વખતની ચેમ્પિયન રહી છે તે આ વખતે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં છેક છેલ્લા નંબરે રહી હતી. આ ઉપરાંત ટીમમાં પણ હાર્દિકના આવવાથી કોઈ ખુશ ન હોવાનું સામે આવ્યું હતું.

આ બધામાં તેના છૂટાછેડાના સમાચારે હાર્દિક પંડ્યાના ફેન્સને ખૂબ નિરાશ કરી દીધા છે.

Back to top button