ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ OBC સમાજને રામાયણની રામની સેના સાથે સરખાવ્યો
રાજકોટ, 18 એપ્રિલ 2024, ગઈકાલે સાંજે યોજાયેલા OBC પરિવારના મહાસંમેલનમાં હાજરી આપતા લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રામનવમીના દિવસે રામાયણની નાની એવી ઘટના પર ધ્યાન દોરવાનું મન થાય છે. સીતાજીનું હરણ થયું અને તેની શોધ માટે હનુમાનજી લંકા ગયા અને વાવડ આવ્યા કે, લંકામાં અશોકવાટિકામાં સીતાજી બેઠા છે. રાવણ જેવો દુશ્મન નક્કી થયો ત્યારે આયોધ્યાના રાજવીઓએ યુદ્ધ લડવા અયોધ્યાની સેનાને બોલાવી નહોતી પરંતુ, ત્યાં જે વનવાસીઓ અને આદિવાસીઓ હતા તે પ્રકારના નાના-નાના સમાજોને ભેગા કરી લંકા ઉપર હુમલો કર્યો અને રાવણને હરાવ્યો હતો. જોકે, રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો.
માર્મિક નિવેદન ચર્ચાના કેન્દ્રમાં રહ્યું
રૂપાલાએ આ રીતે તેમણે OBC સમાજને સંબોધીને કહ્યું કે, ‘મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ છું. આ રીતે તેમનાં દ્વારા થયેલું માર્મિક નિવેદન ચર્ચાના કેન્દ્રમાં રહ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3-4 વિભાગો નવા બનાવ્યા, જે અગાઉ હતા નહીં. જેમાંના 2 વિભાગ મારી પાસે છે એક પશુપાલન અને બીજું ફિશરીઝ. તેમણે કહ્યુ કે, માલધારીઓનુ પોતાનું કોઈ એડ્રેસ જ હોતું નથી. માલધારીઓ માટે હિન્દીમાં ઘુમંતું શબ્દ વપરાય છે. પશુપાલનના ચોપડે આ નામ જ નહોતું. જેનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે. જેમાં કયા રાજ્યમાં કયો સમાજ ઘુમંતું પ્રકારે પશુપાલન કરે છે, તેઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.
પશુપાલકો મોટાભાગના OBC સમાજના છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડરના ગામોના વિકાસ માટે વાઇબ્રન્ટ વિલેજ એવું નામ આપ્યું છે. જેમાં સરહદ ઉપરના ગામડાઓ છે. જે ગામો ઉજળા થઈ જતાં સરહદો રેઢી પડી. જેમાં મંત્રીઓને સરહદ પરના ગામોમાં જવાનું અને એક રાત રોકાવવાનો આદેશ કર્યો હતો, જેના ભાગરૂપે હું પણ સરહદ પરના ગામડામાં ગયો હતો. જેમાં મને એક વાત એ ધ્યાને આવી કે, બોર્ડર પરના ગામડાઓમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે. તેમણે કહ્યું કે, પશુપાલકો મોટાભાગના OBC સમાજના છે.
ખાનગી હોસ્પિટલમાં સરકારી ખર્ચે સારવાર થઈ શકે
તેમણે જણાવ્યું હતું કે, આપણને જેમ કોરોનાની રસી આપવામાં આવી તે રીતે પશુઓ અલગ-અલગ રોગ સામે પ્રતિકાર કરી શકે તે માટેની રસી આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવ્યું. 15,000 કરોડનો પશુઓને રસીકરણનો કાર્યક્રમ આખા દેશમાં ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, 108 એમ્બ્યુલન્સ આવી ત્યારે ગામડામાં લોકો તેને જોવા નીકળતા અને મોદી ગાડી કહેતા. પશુઓ માટેની એમ્બ્યુલન્સ મોદી સરકારે શરૂ કરી છે. આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડને ATM કાર્ડ ગણાવ્યું કે, જેનાથી કોઈપણ ખાનગી હોસ્પિટલમાં સરકારી ખર્ચે સારવાર થઈ શકે.
આ પણ વાંચોઃશું PM મોદી ત્રીજી ટર્મ માટે વાપસી કરશે? શું કહે છે અલગ અલગ ઓપિનિયન પોલ? જાણો