હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા હળવા અને ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. નદીઓમાં પણ નવા નીર આવ્યાં છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી વધીને 325 ફૂટ નજીક પહોંચી ગઈ છે.
હળવા વરસાદી ઝાપટા યથાવત
સુરત શહેર અને જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાં યથાવત છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં સુરત શહેરના રાંદેર ઝોનમાં 4 મીમી તથા ઉધનામાં 3 અને અઠવા-વરાછા, કતારગામ સહિતના ઝોનમાં 2-2 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના પલાસાણામાં 9 મીમી વરસાદ અને બારડોલી તથા મહુવામાં 5 મીમી તો ચોર્યાસીમાં 4 મીમી વરસાદ પડ્યો છે. જો કે વરસાદી માહોલને જોતા ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
ઉકાઈની સપાટીમાં વધારો
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં હાલ 48475 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમની સપાટી વધીને સવારના 10 વાગ્યે 324.70 નોધાઈ છે. જ્યારે આજનું રૂલ લેવલ 333 ફૂટ છે. હાલ સુરતના કોઝવેની સપાટી વધીને 7.25 ફૂટ જેટલી નોધાઈ છે.