ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપે ક્યારેય જાતિ ગણતરીનો વિરોધ નથી કર્યો, કોંગ્રેસને અમિત શાહનો જવાબ

છત્તીસગઢ: કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને આગામી લોકસભા ચૂંટણીમાં જાતિ ગણતરીને મોટો મુદ્દો બનાવ્યો છે. આ દરમિયાન, શુક્રવારે (3 નવેમ્બર) કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જાતિની વસ્તી ગણતરીના મુદ્દે જવાબ આપતાં કહ્યું કે ભાજપ તેની વિરુદ્ધ નથી.

જાતિ ગણતરીના મુદ્દા પર અમિત શાહે આપ્યો જવાબ:

અમિત શાહે છત્તીસગઢના રાયપુરમાં બીજેપીનો સંકલ્પ પત્ર બહાર પાડતી વખતે પ્રેસ કોન્ફરન્સમાં જાતિ ગણતરી પર પુછાયેલા સવાલનો જવાબ આપતાં કહ્યું કે, “અમે એક રાષ્ટ્રીય પાર્ટી છીએ. અમે વોટની રાજનીતિ નથી કરતા. દરેક સાથે ચર્ચા કર્યા પછી જે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેની જાણ કરીશું. જાતિના મુદ્દા આધારે ચૂંટણી લડવી યોગ્ય નથી. ભાજપે ક્યારેય તેનો વિરોધ કર્યો નથી. નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો પડશે, અમે તમને યોગ્ય સમયે જણાવીશું.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે બિહારમાં કરાયેલા જાતિ સર્વેની જેમ અમે કોંગ્રેસ શાસિત રાજ્યમાં પણ આ તરફ આગળ વધીશું. અમે દેશમાં જાતિ ગણતરીની માંગ કરીએ છીએ. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેઓ અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે કામ કરતા નથી.

  • છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ અને રાજસ્થાનમાં અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે જાતિ સર્વેક્ષણ કરવાની જાહેરાત કરી છે.

અખિલેશ યાદવે શું કહ્યું?

મધ્યપ્રદેશના ચાંદલામાં શુક્રવારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે, “અમને જાતિવાદી કહી રહ્યા છે, સમાજવાદી લોકો ક્યારેય જાતિવાદી ન હોઈ શકે. સમાજવાદી લોકો દરેક વર્ગના લોકોને એક સાથે જોડવાનું કામ કરે છે. જો કોઈ બદલાઈ રહ્યા છે તેમના સિદ્ધાંતોને લઈને તો એ અન્ય પક્ષ છે. અમારી પાર્ટીનું માનવું છે કે જ્યારે પણ અમે સત્તામાં આવીશું કે અમારા સમર્થનથી સરકાર બનશે તો ત્યારે અમે સૌથી પહેલું કામ જાતિઓની ગણતરી કરાવવાનું કરીશું.”

આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે: છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં નવેમ્બરમાં અલગ-અલગ તારીખે વિધાનસભા ચૂંટણી છે. પાંચ રાજ્યોમાં મતગણતરી 3 ડિસેમ્બરે થશે.

આ પણ વાંચો: કૃષિ નિકાસમાં પ્રોસેસ્ડ ફૂડનો હિસ્સો 13 ટકાથી વધીને 23 ટકા થયો

Back to top button