ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની હાર, કોંગ્રેસના વિજેતા કે.એલ. શર્મા અભિનંદનવર્ષા

  • કિશોરી ભૈયા, મને ક્યારેય કોઈ શંકા નહોતી, મને શરૂઆતથી જ ખાતરી હતી કે તમે જીતી જશો: પ્રિયંકા ગાંધી 

અમેઠી, 4 જૂન: ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટ પર સ્મૃતિ ઈરાનીને મોટો ઝટકો લાગ્યો છે. સ્મૃતિ ઈરાની અમેઠી લોકસભા બેઠક પરથી હારી ગયા છે અને કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ મોટા માર્જિનથી જીત હાંસલ કરી છે. અમેઠી લોકસભા સીટ પર સ્મૃતિ ઈરાનીને એક લાખથી વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કિશોરી લાલ શર્માને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે, “કિશોરી ભૈયા, મને ક્યારેય કોઈ શંકા નહોતી, મને શરૂઆતથી જ ખાતરી હતી કે તમે જીતી જશો. તમને અને અમેઠીના મારા વ્હાલા ભાઈઓ તથા બહેનોને હાર્દિક અભિનંદન.” NDA માટે 400 પાર કરવાનો નારો આપનાર ભાજપ બહુમતીનો આંકડો પણ પાર કરી શકી નથી. જો કે NDA ચોક્કસપણે 290ને પાર કરે તેવી સંભાવના છે. ભાજપને સૌથી મોટો ફટકો આ વખતે ઉત્તર પ્રદેશમાં જ લાગ્યો છે.

કોંગ્રેસની અમેઠી પરથી ચૂંટણી જીતવાની રણનીતિ રંગ લાવી

ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હારી ગયા હતા, ત્યારબાદ કોંગ્રેસે આ વખતે પોતાની રણનીતિ બદલી અને છેલ્લી ક્ષણે પોતાના પત્તા ખોલ્યા અને કે.એલ. શર્માને મેદાનમાં ઉતાર્યા હતા. શરૂઆતમાં એવી અટકળો હતી કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી જ ચૂંટણી લડશે, પરંતુ છેલ્લી ઘડીએ તેઓ અમેઠીથી અને બહેન પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું. જોકે, નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલીથી અને કિશોરી લાલ શર્માને અમેઠીથી ટિકિટ આપી હતી, જેઓ અમેઠીથી સોનિયા ગાંધીનું કામ જોતા હતા. કોંગ્રેસના સૂત્રોએ તેને વ્યૂહરચના ગણાવી હતી અને આજે આ આયોજન સફળ થયું છે.

 

કે.એલ. શર્મા પાછળ કોંગ્રેસનું શું આયોજન હતું?

જ્યારે અમેઠી અને રાયબરેલી માટે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ત્યારે રાયબરેલીમાં કાર્યકરો ખુશ હતા કારણ કે સોનિયા ગાંધી પછી તેમને રાહુલ ગાંધીના રૂપમાં ઉમેદવાર મળ્યો હતો, પરંતુ અમેઠીમાં કોંગ્રેસના કાર્યકરોમાં અચાનક નિરાશા જોવા મળી હતી. કે.એલ. શર્માના ઉમેદવાર બનવાને કારણે મોટી સંખ્યામાં કાર્યકરોએ પણ માની લીધું  કે, હવે સ્મૃતિ ઈરાની સામે જીતી શકવાની શક્યતા નથી, પરંતુ સમયની સાથે વાતાવરણ બદલાયું અને પ્રિયંકા ગાંધીએ પોતે જ લીડ જાળવી રાખી. ઘણા દિવસો સુધી તેઓ અમેઠીના દરેક ગામમાં ગયા અને સભાઓ કરી અને અંતે કે.એલ. શર્માને જીત અપાવી. અમેઠીથી કિશોરી લાલ શર્માને ટિકિટ આપવા પાછળ કોંગ્રેસની રણનીતિ હોવાનું માનવામાં આવતું હતું. પ્લાનિંગ એ હતું કે, જો કે.એલ. શર્મા અમેઠીમાં જીતે છે તો મોટા સમાચાર બનશે. લોકોમાં એવી ચર્ચાઓ થશે કે, કેન્દ્રીય મંત્રીને કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર દ્વારા હરાવ્યા. તે જ સમયે, જો કે.એલ. શર્મા સ્મૃતિ સામે હારી જાય તો પણ સ્મૃતિ ઈરાની માટે આ કોઈ મોટી ઉપલબ્ધિ નહીં કહેવાય, કારણ કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેમણે રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાને હરાવ્યા હતા. હવે જ્યારે અમેઠીના પરિણામો આવી ગયા છે અને કે.એલ. શર્માની જીત થઈ છે ત્યારે કોંગ્રેસની આ રણનીતિ કામ કરતી જોવા મળી રહી છે.

આ પણ જુઓ: કંગના રણૌતની મંડીથી ‘ધાકડ’ જીત, કહ્યું, આ જીત મોદીજીની છે!

Back to top button