T20 વર્લ્ડ કપ અમેરિકામાં ક્રિકેટને વધુ ફેલાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે
9 મે, ન્યૂયોર્ક: આવતા મહિનાની શરૂઆતમાં જ T20 વર્લ્ડ કપ શરુ થઇ જવાનો છે. આ ટુર્નામેન્ટની યજમાની વેસ્ટ ઇન્ડિઝ સાથે અમેરિકા પણ કરવાનું છે. 1 જૂને અમેરિકાની ટીમ પોતાની પહેલી મેચ પડોશી દેશ કેનેડા સામે રમીને આ ટુર્નામેન્ટમાં પોતાની સફર શરુ કરશે. પરંતુ બૃહદ ચિત્ર એવું છે કે આ વર્લ્ડ કપ અમેરિકામાં ક્રિકેટને વધુ ફેલાવશે.
અમેરિકાની ક્રિકેટ ટીમ મોટેભાગે બહારથી આવેલા ક્રિકેટરોની બની છે જેમાં એશીયાઇ દેશોના ખેલાડી મુખ્ય છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડના કોરી એન્ડરસન પણ આ ટીમનો હિસ્સો છે. ભારતીય મૂળના મિલિંદ કુમાર અને હરમીત સિંઘ પણ આ ટીમનો ભાગ છે.
અમેરિકન ક્રિકેટના અધ્યક્ષ વેણુ પીસીકે જે પોતે ભારતીય મૂળના છે તેમણે કહ્યું હતું કે અમેરિકામાં મોટાભાગના લોકો સુધી ક્રિકેટને પહોંચાડવું એ એક બહુ મોટો પડકાર છે. અત્યાર સુધી તો આ રમત અહીં આવીને વસેલા ખેલાડીઓ સુધી જ સીમિત રહ્યો છે પરંતુ વર્લ્ડ કપને કારણે ક્રિકેટના માર્કેટિંગ વગેરેમાં ગતિ આવી છે. આવનાર T20 વર્લ્ડ કપ અમેરિકામાં ક્રિકેટને વધુ સારી રીતે પ્રચારિત અને પ્રસારિત કરશે તેની સંભાવનાઓ ભરપૂર હોવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.
વર્લ્ડ કપ બાદ હવે તો ઓલિમ્પિક્સમાં પણ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે આથી ક્રિકેટ તરફ મૂળ અમેરિકનો વધુ રસ લેતા થશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. વળી, અમેરિકનો વિવિધ રમતોને પસંદ કરે છે તે પણ એક હકારાત્મક પાસું હોવાનું તેમણે કહ્યું હતું.
આવનારો T20 વર્લ્ડ કપ અમેરિકામાં ત્રણ સ્થળોએ રમાશે. તેમાંથી 9 જૂને ન્યૂયોર્કના આઇઝનહાવર પાર્કમાં 34,000 દર્શકોની ક્ષમતા વાળા અસ્થાયી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થવાનો છે. આ મેચ ઉપરાંત ભારતની ટીમ આ જ ગ્રાઉન્ડ પર આયરલેન્ડ અને અમેરિકા સામે પણ રમશે. અહીં ઓસ્ટ્રેલિયામાં બનાવવામાં આવેલી ડ્રોપ-ઇન પીચોનો ઉપયોગ કરવામ આવશે.
પીસીકેએ જણાવ્યું હતું કે ન્યૂયોર્ક સ્ટેડિયમનું ઉદ્ઘાટન એક અઠવાડિયાની અંદર કરી દેવામાં આવશે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીં સ્ટેડિયમ ઉભું કરવાની શરૂઆત થઇ હતી અને રેકોર્ડ ટાઈમની અંદર આ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
વેણુ પીસીકેએ આશા વ્યક્ત કરી હતી કે ડ્રોપ-ઇન પીચો બેટ્સમેન અને બોલર્સ બંન્નેને સમાન અવસર આપશે.