અમેરિકન એરલાઈન્સમાં લેપટોપ બન્યું બોમ્બ, ધુમાડો નીકળતા પ્લેનને કરાવ્યું ખાલી
સાન ફ્રાન્સિસ્કો, 13 જુલાઈ : અમેરિકામાં એક એરલાઈનમાં મોટી ઘટના બની છે. લેપટોપ સાથે વ્યક્તિ પ્લેનમાં દાખલ થયો હતો. અને અચાનક તેના લેપટોપમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, આ અજોઈ ને અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. લેપટોપ બોમ્બમાં ફેરવાઈને વિસ્ફોટ થવાના ભયને કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ માહિતી તરત જ એરલાઇન્સ અને એરપોર્ટ કર્મચારીઓને આપવામાં આવી હતી. ત્યારબાદ પ્લેનને તાત્કાલિક ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પ્લેન સાન ફ્રાન્સિસ્કો ઈન્ટરનેશનલ એરપોર્ટથી મિયામી જઈ રહ્યું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં એક યાત્રીની બેગમાં રાખેલા લેપટોપમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. થોડી જ વારમાં પ્લેનની અંદર ધુમાડો નીકળ્યો. ઘણા મુસાફરોને છીંક અને ઉધરસ આવવા લાગી. લેપટોપ બોમ્બ હોઈ શકે છે તેવી આશંકાથી મુસાફરો ડરી ગયા હતા. દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે પ્લેનમાંથી તાત્કાલિક બહાર જવા માંગતું હતું. આવી સ્થિતિમાં એરપોર્ટ ઓથોરિટીએ પ્લેનને ખાલી કરાવ્યું હતું. એરલાઈને જણાવ્યું હતું કે પ્લેનમાંથી બહાર નીકળતી વખતે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ઇમરજન્સી એક્ઝિટ દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા
એરપોર્ટ સત્તાવાળાઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સતર્કતા દાખવતા મુસાફરોને ઈમરજન્સી ‘સ્લાઈડ’ અને ‘જેટ બ્રિજ’ દ્વારા બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગના જણાવ્યા અનુસાર અન્ય બે મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. એરલાઈન્સે કહ્યું કે જ્યારે મુસાફરો પ્લેનમાં બેસી રહ્યા હતા ત્યારે ક્રૂએ લેપટોપમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા સ્ટીવ કુલમે જણાવ્યું હતું કે એજન્સી આ બાબતની તપાસ કરશે.
આ પણ વાંચો :અયોધ્યા બાદ ભાજપે બદ્રીનાથ પણ ગુમાવ્યું, જાણો કેમ? શું થશે કેદારનાથમાં?