રાહુલ ગાંધીના વિવાદ પર અમેરિકા પણ રાખી રહ્યું છે નજર, કહ્યું- ‘કાયદાનું સન્માન કરો…’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી અયોગ્ય માનવા પર અમેરિકાની પણ નજર છે. આ અંગે અમેરિકા તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધી પર પ્રહાર, દેશમાં- વિદેશમાં અને સંસદમાં જુઠ્ઠું બોલી રહ્યા છે
હાલ રાહુલ ગાંધીને લઈને ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ ચર્ચાઓ થઈ રહી છે. રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા અમેરિકાએ કહ્યું કે કાયદાના શાસન અને ન્યાયિક સ્વતંત્રતાનું સન્માન એ કોઈપણ લોકશાહીનો આધાર છે. અમેરિકા ભારતીય અદાલતોમાં રાહુલ ગાંધી ના કેસની તપાસ પર નજર રાખી રહ્યું છે. તેમનું કહેવું છે કે લોકતાંત્રિક મૂલ્યો પર સહિયારી પ્રતિબદ્ધતાને કારણે અમેરિકા ભારત સાથે જોડાયેલું છે.
ભારતમાં રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થવા અંગેના એક પ્રશ્નના જવાબમાં નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે, “અમે આપણી બંને લોકશાહીને મજબૂત કરવાના મહત્વના પાસાં તરીકે અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે લોકતાંત્રિક સિદ્ધાંતોનું રક્ષણ કરવાની જરૂરિયાતને પ્રકાશિત કરવાનું ચાલુ રાખીએ છીએ.” જ્યારે પૂછવામાં આવ્યું કે, અમેરિકા ભારત કે રાહુલ ગાંધી સાથે વાતચીત કરી રહ્યું છે. આના પર તેણે કહ્યું કે, હાલમાં તેની પાસે આ અંગે કંઈ કહેવાનું નથી.
2019ના માનહાનિ કેસમાં સજા મળી
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 2019ના માનહાનિ કેસમાં બે વર્ષની સજા મળી છે. જે બાદ શુક્રવારે લોકસભાના સભ્યપદ માટે રાહુલ ગાંધીને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે. તેમની ગેરલાયકાતનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોટિફિકેશન બહાર પાડવાના થોડા કલાકો પહેલા રાહુલ ગાંધીએ પણ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં બે દિવસ કાળઝાળ ગરમી બાદ વરસાદની આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે માવઠું?
આ મામલો કર્ણાટકમાં યોજાયેલી રેલી સાથે સંબંધિત છે
માનહાનિનો કેસ વર્ષ 2019માં કર્ણાટકમાં યોજાયેલી રેલી સાથે સંબંધિત છે. આ રેલી દરમિયાન રાહુલે મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ કેસમાં કોર્ટે તેને બે વર્ષની સજા પણ ફટકારી છે. ગેરલાયકાત બાદથી દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે અમેરિકાએ પણ આ મામલે પોતાનો મત રજૂ કર્યો છે.