અમદાવાદગુજરાત

AMCનો નિર્ણયઃ મતદાન કર્યાની નિશાની બતાવો અને એક દિવસ AMTSમાં મફત મુસાફરી કરો

Text To Speech

અમદાવાદ, 6 મે 2024, આવતીકાલે 7મી મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થશે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેના માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જે નાગરિકો પોતે મતદાન કર્યું હોય તેની આંગળી પર શાહીની નિશાની બતાવશે તેવા મુસાફરોને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા એક દિવસ માટે મફતમાં મુસાફરી કરવા દેવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ મતદાનના દિવસે દવાના બિલ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનો પણ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના સભ્યો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

AMTS બસમાં મફતમાં મુસાફરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કમિટીના ચેરમેન ધરમશી દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે સાતમી મેના રોજ મતદાનના દિવસે જે નાગરિકો દ્વારા ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ વોટર સ્લીપ અથવા તો પોતાની આંગળીમાં મતદાન કર્યા અંગેની શાહી બતાવશે. તેઓને AMTS બસમાં મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે. જેથી એએમટીએસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ મતદાન કરવામાં આવે અને આ તકનો લાભ ઉઠાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગરમીની સિઝનમાં મતદાન હોવાથી લોકો વધુ મત આપે તે માટે ચૂંટણી પંચે તમામ સુવિધાઓ પુરી પાડવાની તૈયારી કરી લીધી છે.

દવાના બિલ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના સભ્યો દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાગરિકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશ્યથી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે દવાના બિલ પર 7થી 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃગુજરાતમાં મહાસંગ્રામનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણી સ્ટાફ EVM લઈ મતદાન મથકે જવા રવાના

Back to top button