ગુજરાત

અમદાવાદમાં વૃક્ષારોપણના AMCના દાવા પોકળ, જાણો શું છે સત્ય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ હેઠળ છેલ્લા ૬ વર્ષમાં વૃક્ષારોપણ વધીને ૨૦ લાખ, ૭૫ હજારને આંબી ગયું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા એક દાયકામાં અમદાવાદમાં ફોરેસ્ટ કવર એટલેકે વનીકરણમાં ૮ .૫૫ ટકાનો ઘટાડો નોધાયો હોવા અંગે લોકસભામાં રાજ્યકક્ષાના વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેઈન્જ મંત્રાલય દ્વારા કરાયેલા સત્તાવાર નિવેદનને પગલે AMC બગીચા ખાતાના દાવા ‘પોકળ’ પુરવાર થયા છે. દેશના ૭ મેગાસિટી અંગે લોકસભામાં અપાયેલી સત્તાવાર આંકડાકીય માહિતી મુજબ, અમદાવાદમાં ૨૦૧૧માં ૧૭.૯૬ ટકા વનીકરણ હતું અને ૨૦૨૧માં ઘટીને ૯.૪૧ ટકા વનીકરણ થયું છે. આમ, છેલ્લાં ૧૦ વર્ષમાં એટલેકે એક દાયકામાં અમદાવાદમાં વનીકરણમાં ૮.૫૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: અમદાવાદીઓની પાર્કિંગ સમસ્યાનો અંત આવશે, AMCએ બનાવ્યો માસ્ટર પ્લાન 

હેદ્રાબાદમાં ૪૮.૬૬ ટકાના સૌથી વધુ વધારા સાથે દિલ્હી, ચેન્નાઈ, મુંબઈમાં વનીકરણ વધ્યું

લોકસભામાં દેશના મેટ્રોપોલીટન શહેરોમાં વનીકરણ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેઈન્જ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ આંકડાકીય વિગતો સાથે જણાવ્યું હતું કે, અમદાવાદ, બેંગ્લોર, કોલકાતામાં વનીકરણમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે હેદ્રાબાદમાં ૪૮.૬૬ ટકાના સૌથી વધુ વધારા સાથે દિલ્હી, ચેન્નાઈ, મુંબઈમાં વનીકરણ વધ્યું છે.

‘હરિયાળું અમદાવાદ’, ‘વધુ વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો’ વગેરે જેવા સૂત્રો

AMCના બગીચા વિભાગ દ્વારા છેલ્લાં ૬ વર્ષમાં વૃક્ષારોપણમાં વધારો થયો હોવાની વિગતો રજ કરવામાં આવી છે. મ્યુનિ. ગાર્ડન વિભાગે આપેલી માહિતી મુજબ, વૃક્ષારોપણ કાર્યક્રમ હેઠળ ૨૦૧૭-૧૮માં ૪૬,૩૮૬, ૨૦૧૮-૧૯માં ૮૪,૮૪૯, ૨૦૧૯-૨૦માં ૧૧,૬૬, ૩૮૭, ૨૦૨૦-૨૧માં ૧૦,૧૩,૮૫૬, ૨૦૨૧-૨૨માં ૧૨,૮૨,૦૧૪ અને ૨૦૨૨-૨૩માં ૨૦,૭૫,૪૩૧ પ્લાન્ટ્સનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘હરિયાળું અમદાવાદ’, ‘વધુ વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો’ વગેરે જેવા સૂત્રો અંર્તગત વૃક્ષારોપણ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે અને લાખો વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હોવાના દાવા કરવામાં આવે છે.

જાળવણીના અભાવે નાના પ્લાન્ટ્સ વૃક્ષ બને તે પહેલાં જ કરમાઈ જતા

વૃક્ષારોપણ કાર્યક્રમો હેઠળ દર વર્ષે મ્યુનિસિપલ પ્લોટ, રોડ સાઈડ સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવે છે અને ખાનગી સોસાયટીઓ, સંસ્થાઓને પણ વિનામૂલ્યે લાખો પ્લાન્ટ્સ વિનામૂલ્યે વિતરણ કરીને વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. AMCના ગાર્ડન ડીપાર્ટમેન્ટ દ્વારા લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવતું હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ વૃક્ષારોપણ કરાયા પછી પ્લાન્ટ્સનું યોગ્ય પ્રકારે જતન કરાતું નથી અને જાળવણીના અભાવે નાના પ્લાન્ટ્સ વૃક્ષ બને તે પહેલાં જ કરમાઈ જતા હોય છે.

વૃક્ષારોપણ કરવા પાછળ કરવામાં આવતો કરોડોનો ખર્ચ પાણીમાં

આમ, વૃક્ષારોપણ કરવા પાછળ કરવામાં આવતો કરોડોનો ખર્ચ પાણીમાં જતો હોય છે. મ્યુનિ. દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં એક જ દિવસમાં લાખો પ્લાન્ટ્સનું વૃક્ષારોપણ કરાયું હોવાની વિગતો અને માહિતી આપવામાં આવે છે. પરંતુ કરોડોના ખર્ચે કરાયેલા વૃક્ષારોપણમાંથી કેટલાં પ્લાન્ટ વૃક્ષ બન્યા તેની વિગતો જાહેર કરવામાં આવતી નથી. મ્યુનિ. બગીચા માતાની ‘પોલ’ ખુલી ન જાય તે માટે કેટલાંક પ્લાન્ટ્સ કરમાઈ ગયા તેની માહિતી છુપાવવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.

Back to top button