બેવડી ઋતુના કારણે ઘરે-ઘરે માંદગી વધી, AMC એ તાત્કાલિક કર્યો આ નિર્ણય
હાલમાં સિઝન ચેન્જના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. જેમાં બેવડી ઋતુના અનુભવના કારણે ઘરેઘરે માંદગીના કેસોની સંખ્યા પણ વધી છે. અમદાવાદમાં દિવસે ગરમી અને રાત્રિના સમયે ઠંડકના અનુભવના કારણે શહેરીજનો બેવડીઋતુનો અહેસાસ કરી રહયા છે. દરમિયાન શહેરમાં આવેલા અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક જ દિવસમાં શરદી અને ખાંસીના બે હજાર કેસ નોંધાયા છે.
આ મહિનામાં અત્યારસુધીમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે.પાણીના પોલ્યુશનની વધતી જતી ફરિયાદની સાથે મ્યુનિ.તંત્રે લીધેલા પાણીના સેમ્પલ પૈકી 29 સેમ્પલનો કલોરિન રિપોર્ટ નીલ આવ્યો છે. શહેરના સાત ઝોનના 48 વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 80 થી વધુ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે.આ તમામ કેન્દ્રોમાં સોમવારે 8500 જેટલા દર્દીઓનુ નિદાન અને સારવાર કરવામા આવી હતી.આ દર્દીઓ પૈકી શરદી અને ખાંસીના લક્ષણ ધરાવતા બે હજાર દર્દીઓને આવશ્યક દવા તંત્ર તરફથી આપવામા આવી હતી.
આ નંબર પર કરી શકશો ફરિયાદ
AMC ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે, શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીના પોલ્યુશન અંગેની ફરિયાદો વધવા પામી છે. શહેરીજનોને પાણીના પોલ્યુશન અંગેની ફરિયાદ હોય તો તેઓ AMCની 155303 નંબરથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. ચાર ફેબુ્આરી સુધીમાં શહેરમાં કોલેરાનો એક કેસ નોંધાવાની સાથે પાણીજન્ય એવા ઝાડા ઉલટીના 47 કેસ નોંધાયા હતા. ટાઈફોઈડના 32 તથા કમળાના 22 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં U20 સમિટ, મહેમાનો રિવરફ્રન્ટ-કાંકરિયા પર ગાલા ડિનરની મજા માણશે
ફેબુ્આરી માસમાં 2645 રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ પૈકી 29 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. ચાર ફેબુ્આરી સુધીમાં ડેન્ગ્યૂના માત્ર બે કેસ નોંધાયા હતા. ડેન્ગ્યૂ માટે 226 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સિઝનલફલૂના ચાર ફેબ્રુઆરી સુધીમાં 29 કેસ નોંધાયા હતા.