અમદાવાદમાં 13 પ્લોટની AMC હરાજી કરીને રૂ.1,000 કરોડની આવક મેળવશે
- આગામી મહિને પ્લોટની ઓનલાઈન જાહેર હરાજી કરાશે
- AMCની વેબસાઈટ પર તા.21 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન અને બિડ ભરી શકાશે
- તા.27 સપ્ટેમ્બર બીડ સીલ કરવાનો છેલ્લો દિવસ છે
અમદાવાદમાં 13 પ્લોટની AMC હરાજી કરીને રૂ.1,000 કરોડની આવક મેળવશે. જેમાં સિંધુભવન રોડ પરના પ્લોટના વેચાણથી સૌથી વધુ 205 કરોડની આવકની ધારણા છે. થલતેજના પ્લોટ માટે ચો.મી. દીઠ સૌથી વધુ રૂ. 2,75,000નો ભાવ છે. AMCની વેબસાઈટ પર તા.21 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન અને બિડ ભરી શકાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં જાણો કયા છે ભારે વરસાદની આગાહી
તા.27 સપ્ટેમ્બર બીડ સીલ કરવાનો છેલ્લો દિવસ છે
AMC દ્વારા શહેરમાં S.G. હાઇવે પર સિંધુભવન, મોટેરા, થલતેજ, શીલજ વસ્ત્રાલ અને નિકોલ સહિતના વિસ્તારોમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના 13 પ્લોટ હરાજીથી વેચવાનું નક્કી કરાયું છે. AMC દ્વારા હરાજીથી 13 પ્લોટના વેચાણ મારફતે અંદાજે રૂ.1,000 કરોડ જેટલી આવક એકત્રિત કરવામાં આવશે. આ હેતુસર AMC દ્વારા અગ્રણી અખબારોમાં જાહેરખબર પ્રસિદ્ધ કરવામાં આવી છે. આગામી મહિને પ્લોટની ઓનલાઈન જાહેર હરાજી કરાશે. AMCની વેબસાઈટ પર તા.21 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે અને તા.27 સપ્ટેમ્બર બીડ સીલ કરવાનો છેલ્લો દિવસ છે. AMC દ્વારા મોટેરામાં બે, બોડકદેવમાં ત્રણ, નિકોલમાં બે, થલતેજ,વટવા, શીલજ, વસ્ત્રાલ, મકરબા અને ચાંદખેડા એક એમ કુલ 13 પ્લોટનાં વેચાણ માટે તળીયાનાં ભાવ નક્કી કરાયા છે.
ઇ ઓકશન કરતાં પહેલાં ઔડાની પ્રાઇસ ફિક્સિંગ કમિટી દ્વારા તેની તળીયાની કિંમત નક્કી કરવામાં આવે છે
S.G. હાઇવે પર સિંધુભવન પાસે મેંગો હોટલની પાછળ આવેલો પ્લોટની સૌથી વધુ કિંમત રૂ.205 કરોડ અંદાજવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સિંધુભવન રોડ પરના બંને પ્લોટ ત્રણ વખત ઓનલાઈન હરાજીથી વેચાણ માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ કોઈ ડેવલપર કે કંપની દ્વારા પ્લોટ માટે ઓફર કરવામાં આવી નહોતી. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં TP સ્કીમ ફાઈનલ થતાં નિયમ મુજબ 40 ટકા કપાત તરીકે AMCને પ્લોટ મળે છે અને જુદા જુદા હેતુ માટેના પ્લોટની હરાજી કરવામાં આવે છે. ઇ ઓકશન કરતાં પહેલાં ઔડાની પ્રાઇસ ફિક્સિંગ કમિટી દ્વારા તેની તળીયાની કિંમત નક્કી કરવામાં આવે છે.