PM સ્વનિધિ હેઠળ લોન મંજૂર અને વિતરણમાં AMC દેશમાં પ્રથમ સ્થાને
- શહેરના 1.08 લાખથી વધુ ફેરિયાઓની રૂ. 133.75 કરોડની લોન મંજૂર કરાઈ
- લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન બીજા ક્રમાંક પર
- કાનપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રીજા નંબરે
વડાપ્રધાન સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ એટલે કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન મંજૂર અને ડિસ્બર્સમેન્ટ કરાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હાલ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે, જ્યારે લખનૌ મ્યુનિ. કોર્પોરેશન બીજા ક્રમાંકે અને કાનપુર મ્યુનિ. કોર્પોરેશન ત્રીજા ક્રમાંકે છે. કોવિડ-19 સંદર્ભના તબક્કાવાર લોકડાઉન બાદ શેરી ફેરિયાઓને કાર્યકારી મૂડી માટે લોન મળી રહે તે આશયથી કેન્દ્ર સરકાર દ્વારા PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અમલમાં મુકાઈ છે.
મ્યુનિ. તંત્રના યુસીડી વિભાગ દ્વારા શેરી ફેરિયાઓ જેવા કે શાકભાજી, ફળ, ખાણીપીણી, ચાની લારીવાળા, પાથરણાંવાળાં, જીવન-જરૂરી અન્ય વસ્તુઓની ફેરી કરીને અથવા ફૂટપાથ કે ખુલ્લી જગ્યામાં વેચાણ કરનારા તમામના ધંધા-રોજગારને માઠી અસર થઈ હતી. આ લોકોના ધંધા-રોજગારને પુનઃ બેઠો કરવા માટે પીએમ સ્વનિધિ યોજના જૂન-2020થી અમલમાં મુકાઈ છે.
આ યોજના હેઠળ મ્યુનિ. તંત્ર દ્વારા વર્ષ 2020-21થી ચાલુ વર્ષ 2023-24માં ફેરિયાઓને કોઈ પણ જામીનગીરી વગર રૂ. 10,000ની લોનસહાય બેન્ક મારફતે આપવામાં આવે છે, જે કાર્યકારી મૂડી ભંડોળ તરીકે શેરી ફેરિયાઓને મળે છે. પ્રથમ વખત નિયમિત લોન ભરપાઈ કરનારને બીજી ટર્મ માટે રૂ. 20,000 , ત્રીજી ટર્મ માટે રૂ. 50,000ની લોન અપાય છે.
અત્યાર સુધી અપાઇ આટલી લોન
અત્યાર સુધીમાં કુલ 1,38,653 શેરી ફેરિયાઓની અરજીને મ્યુનિ. યુસીડી ખાતાની વોર્ડ ઓફિસ ખાતેથી ઓનલાઇન ફોર્મ ભરી વિવિધ સરકારી, ખાનગી અને સહકારી બેન્કમાં સ્પોન્સર કરાઈ છે. તંત્ર દ્વારા 87,337 શેરી ફેરિયાઓને રૂ. 10,000ની પ્રથમ લોન પેટે કુલ રૂ. 87.33 કરોડ, પ્રથમ લોન ભરપાઈ કરનાર 19699 શેરી ફેરિયાઓને રૂ. 20,000ની લોન પેટે કુલ રૂ. 39.40 કરોડ અને 1,404 શેરી ફેરિયાઓને રૂ. 50,000ની ત્રીજી લોન પેટે રૂ. 3.02 કરોડ મળી કુલ 1,08,440 શેરી ફેરિયાઓને રૂ. 133.75 કરોડની લોન બેન્ક મારફતે મંજૂર કરાઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો બન્યા જળમગ્ન