AMCના કર્મચારીઓએ હાજરી પુરાવા માટે સેલ્ફી લેવી પડશે, ફિલ્ડનો ફોટો લઈ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ, વર્ગ 3 સુધીના તમામ કર્મચારીઓએ હવે ઓનલાઇન મોબાઇલ એપ્લિકેશનથી પોતાની હાજરી પુરવાની રહેશે. પોતાના નોકરીના સ્થળે સેલ્ફી લઈને હાજરી પુરવાની રહેશે. ફિલ્ડમાં કરેલી કામગીરીનો રિપોર્ટ પણ હવે ઓનલાઈન જ ભરવાનો રહેશે. Smart city 311 એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરીને તમામ વિગતો ભરવાની રહેશે. આ નવી સિસ્ટમનો શુક્રવારથી જ અમલીકરણ કરવામાં આવશે. વર્ગ 4ના કર્મચારીઓ એટલે કે પટાવાળાથી લઈને સફાઈ કામદારો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ પરિપત્ર બહાર પાડવામાં આવશે.
પંચ ઇન અને પંચ આઉટ સાથે સેલ્ફી લેવાની રહેશે
AMCમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ નોકરીના સમયે મોડા આવતા હોવાનો અને વહેલા જતા રહેવા હોવાની ફરિયાદો સામે આવી હતી. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ચર્ચા થઈ હતી કે હવેથી ઓનલાઇન હાજરી અધિકારીઓની ભરવામાં આવે, જેના કારણે યોગ્ય સમયે તેઓ કામગીરી કરી શકે. જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ પરિપત્ર કરી અને વર્ગ 1, 2 અને 3ના કર્મચારીઓએ હવે smart city 311 એપ્લિકેશન પર પંચ ઇન અને પંચ આઉટ સાથે સેલ્ફી લેવાની રહેશે. કર્મચારીઓએ કરેલી ક્ષેત્રીય કામગીરી, જીપીએસ લોકેશન અને સ્થળ કામગીરી વગેરેનો રિપોર્ટ પણ એપ્લિકેશનમાં ભરવાનો રહેશે.
વર્ગ-4ના કર્મચારીઓ માટે અલગથી પરિપત્ર જાહેર થશે
મોબાઈલ એપ્લિકેશન મારફતે અધિકારીઓ રજીસ્ટ્રેશન કરી શકે અને યોગ્ય રીતે આ વ્યવસ્થા ગોઠવાઈ તેના માટે ઈ ગવર્નન્સની ટીમ એક અઠવાડિયા માટે તમામ સાત ઝોનની અંદર એક એક દિવસ માટે હાજર રહેશે અને દરેક કર્મચારીઓના મોબાઇલમાં એપ્લિકેશન મારફતે આ વ્યવસ્થા ગોઠવાય એ રીતનું આયોજન કરી દેવામાં આવ્યું છે. આવતીકાલ શુક્રવારથી જ આ નિયમને અમલ કરવાનું મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ જણાવ્યું છે. જો કે વર્ગ ચારના કર્મચારીઓ છે તેમના માટે પણ અલગથી પરિપત્ર કરીને જાણ કરવામાં આવશે.
કઈ રીતે કર્મચારીઓ રજિસ્ટ્રેશન કરી શકશે.
- Smart city 311 એપમાં સૌ પ્રથમ Registration Request કરવાની રહેશે
- Employee ID નાખવાનો રહેશે.
- Employee ID ઉપર ADD ફોટોમાં જઈ સેલ્ફી લઈ ફોટો અપલોડ કરવાનો રહેશે
- પાસવર્ડ, મોબાઇલ નંબર, ઈમેલ id, પોતાનો ઝોન, વોર્ડ, હોદ્દો અને વિભાગ લખવાનો રહેશે
- રજિસ્ટ્રેશન માટે ok કરવાનું રહેશે
- Smart city 311ની ટીમ વેરિફિકેશન કરી એપ્રુવ કરશે
કઈ રીતે કામગીરી કરવાની રહેશે
- ઈમેલ id અને પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે
- my stuffમાં ફિલ્ડ રિપોર્ટમાં my inspection reportમાં ક્લિક કરવાનું રહેશે
- field inspectionમાં જઈ ફોટો લેવાનો રહેશે
- જે તે વિભાગની માહિતી ભરી gps લોકેશન નાખી અને submit report કરવાનો રહેશે
- હાજરી ભરવા માટે my stuffમાં જઈ mark self fr attendenceમાં જઈ સેલ્ફી લઈ ok થતા હાજરી પુરાશે