અમદાવાદમાં સ્ટેમ્પ પર બાંહેધરી લઈ AMCએ મલ્ટિપ્લેક્સના સીલ ખોલી નાખ્યા
- એક મહિનામાં ફાયર NOC અને ત્રણ મહિનામાં બીયુ પરમિશન લેવી પડશે
- શહેરમાં અંદાજે 25 મિની મલ્ટિપ્લેક્સ સીલ કરાયા હતાં
- મ્યુનિ. દ્વારા રૂપિયા 10થી 15 હજારનો દંડ વસૂલાયો છે
અમદાવાદમાં સ્ટેમ્પ પર બાંહેધરી લઈ AMCએ મલ્ટિપ્લેક્સના સીલ ખોલી નાખ્યા છે. જેમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી સંચાલકોની રહેશે તેમ કહી હાથ ખંખેર્યા છે. તેમજ માલિકોએ એક મહિનામાં ફાયર NOC અને ત્રણ મહિનામાં બીયુ પરમિશન લેવી પડશે. તથા વિદ્યાર્થીઓના આંદોલનને પરિણામે હવે 60 દિવસ બાદ કોલેજનું સીલ ખોલી દેવાયું છે.
આ પણ વાંચો: અમદાવાદ:સિંગતેલના ભાવમાં વધારો થયો, ગૃહિણીઓની મુશ્કેલી વધી
મ્યુનિ. દ્વારા રૂપિયા 10થી 15 હજારનો દંડ વસૂલાયો છે
મ્યુનિ. કોર્પોરેશનને રાજકોટની ઘટના બાદ ફાયર અને બીયુ પરમિશન વિનાની મિલ્કતો સીલ કરી દીધી હતી. બીજી બાજુ સબંધિત મિલ્કતધારકો તરફથી ફાયર NOC અને બીયુ પરમિશન સહિતની મંજૂરી મેળવવા માટે પ્રોસેસ કરી દેવાતા સ્કૂલ, હોટેલ, રેસ્ટોરાં અને હવે 25 મિનિ મિલ્ટિપ્લેકસ થિયેટરોના સીલ ખોલી દેવાયા છે. મ્યુનિ. દ્વારા રૂપિયા 10થી 15 હજારનો દંડ વસૂલાયો છે. આ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી સંચાલકોની રહેશે. સુત્રો કહ્યું કે, મિની મલ્ટિપ્લેક્સના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બે માળમાં મિનિ મલ્ટિપ્લેક્સ બનાવી દેવામાં આવ્યા છે. બિલ્ડિંગનો ઉપયોગ કોમર્શિયલ હેતુ દર્શાવવા આવ્યો હતો, પરંતુ મલ્ટીપ્લેક્સના સંચાલકોએ હેતુફેર ન કરાવ્યો હોવાના કારણે સીલ માર્યા હતાં.
મોટેરા સહિતના વિસ્તારોમાં આવેલા અંદાજે 25 મિની મલ્ટિપ્લેક્સ સીલ કરાયા હતાં
સૌથી વધુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, થલેતજ, એસજી હાઇવે, મોટેરા સહિતના વિસ્તારોમાં આવેલા અંદાજે 25 મિની મલ્ટિપ્લેક્સ સીલ કરાયા હતાં. આ તમામ માલિકોએ પોતાના મલ્ટિપ્લેક્સ પર આગામી એક મહિનામાં ફાયર NOC અને ત્રણ મહિનામાં બીયુ પરમિશન લેવાની રહેશે. મ્યુનિ. કોર્પોરેશને પોતાની ભૂલ ઢાંકવા માટે આડેધડ મિલ્કતો સીલ કરી દીધી હતી. હવે તમામ મિલ્કતના માલિકો પાસેથી બાંયેધરી લઇને સીલ ખોલી દેવાની કામગીરી હાથ ધરાઇ છે. જો સમય મર્યાદામાં મંજૂરી નહીં મેળવાય તો સબંધિત મિલ્કતો સામે પુનઃ પગલાં ભરવાની પણ મ્યુનિ.એ માલિકોને ચિમકી આપી છે.
વિદ્યાર્થીઓના આંદોલનને પરિણામે હવે 60 દિવસ બાદ કોલેજનું સીલ ખોલી દેવાયું
રાયપુર દરવાજા પાસે આવેલી વિવેકાનંદ કોલેજને બીયુ અને ફાયર એનઓસી મુદ્દે મ્યુનિ.એ સીલ મારી દીધું હતું. જેના કારણે કોલેજના વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ હતી. જે અંગે વિદ્યાર્થીઓએ દેખાવો પણ કર્યા હતા. અનેક રજૂઆતો અને વિદ્યાર્થીઓના આંદોલનને પરિણામે હવે 60 દિવસ બાદ કોલેજનું સીલ ખોલી દેવાયું છે. જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશી ફેલાઈ છે.