રોડ રસ્તા સમારકામ પાછળ AMC એ કર્યો 14 કરોડનો માતબર ખર્ચ
ચોમાસાની સિઝન હવે પૂર્ણ થઈ રહી છે ત્યારે હજી પણ કેટલાંક વિસ્તારોમાં રોડ રસ્તાનું કામ જેમનું તેમ છે. વાત રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદની જ કરવામાં આવે તો વરસાદમાં જે રીતે રસ્તા પર ભૂવા પડ્યા હતા અને પાણી ભરાઈ જવાની સ્થિતિ બની હતી તેનાથી લોકો પરેશાન થઈ ચુક્યા હતા. આ વચ્ચે અમદાવાદ મનપા તંત્રએ આ રસ્તા રિપરિંગ પાછળ રૂ.14 કરોડનો ખર્ચ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.
હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, શહેરમાં વરસાદની સિઝનમાં કુલ 35 હજારથી વધુ ખાડા પડ્યા હતા અને 96 જેટલાં મોટા ભૂવા પડ્યા હતા. જેને રિપરિંગ કરવા માટે અમદાવાદ કોર્પોરેશને રૂ. 14 કરોડનો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો : ડિફેન્સ એક્સપો માટે અમદાવાદના આ રોડ 18 થી 22 ઓક્ટોબર રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક વ્યવસ્થા
આ અંગે અમદાવાદ AMC ના રોડ કમિટી ચેરમેને દાવો કર્યો કે, તૂટેલા રોડ પૈકી મોટાભાગના રોડ 2019ની સાલ પહેલા બનેલા છે. કોન્ટ્રાક્ટરની મુદ્દત ત્રણ વર્ષ હોવાના કારણે રોડના સમારકામનો ખર્ચ AMC એ ઉઠાવવો પડશે. તેમજ એવું પણ જણાવ્યું છે કે, ટોરેન્ટ,BSNL, રિલાયન્સ જેવી કંપનીઓના ખોદકામના કારણે કેટલાંક રસ્તા ખરાબ થયા છે અને તેના પર સમારકામ કરવાનું ચાલી રહ્યું છે.