ગુજરાત

અમદાવાદમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાની સ્થિતિમાં AMC ફાયર વિભાગે મહેકાવી માનવતા

છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદને કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા પ્રશાસનના વિવિધ વિભાગોએ પણ લોકોના જીવનને પૂર્વવત કરવા માટે કાબિલ એ તારીફ કામગીરી કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા વરસાદી પાણીના નિકાલ કરવો, ફસાયેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા, ધરાશાયી વીજપોલ કે વૃક્ષને દૂર કરી રસ્તાઓ પૂર્વવત કરાવવા સહિત નાગરિકોની પરેશાની દૂર કરવા માટે સતત કાર્યરત છે. જેમાં ફાયરવિભાગ પણ સતત સ્ટેન્ડ બાય રહે છે.

બે દિવસ દરમિયાન અમદાવાદના વિવિધ ફાયર સ્ટેશન્સ પર કુલ 150થી વધુ ફોન કોલ્સ નોંધાયા છે. જેમાં ગાડીમાં ફસાયેલા લોકો, દીવાલ ધરાશાયી, વૃક્ષ પડવાના, વીજપોલ ધરાશાયી થવાના, આગ લાગવાના, શોટ સર્કિટના, ગેસ લાઈનમાં આગના બનાવોમાં ફાયર વિભાગની ટીમોએ ત્વરતિ એક્શન લીધા છે.

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એમ.પી. મિસ્ત્રીના જણાવ્યા અનુસાર સોમવાર તારીખ 11/07/2022ના રોજ ફાયરવિભાગને કુલ 11 આગના કોલ્સ મળ્યા હતા. જ્યારે રેસ્ક્યુ માટેના 33 કોલ્સ નોંધાયા છે. પોતાના પરિવારથી દૂર રહી વિવિધ ફાયર સ્ટેશન પર ફરજ બજાવતા સ્ટાફે દિવસ-રાત જોયા વગર સમગ્ર શહેરને પોતાનો પરિવાર માની બચાવ કામગીરી કરી છે.

ahmedabad Flood 01

ફાયરવિભાગની છેલ્લા 72 કલાકની કામગીરી દરમિયાન અનેક લોકોને ફાયર વિભાગના કર્મચારી દેવદૂત સમાન લાગ્યા છે. એક પ્રાઈવેટ લક્ઝરી બસ જે ભૈરવનાથ ચાર રસ્તાથી ઈસનપુર તરફના રસ્તે આવી રહી હતી. દરમિયાન પાણીના ભરાવાને કારણે બસ અધવચ્ચે બંધ થઈ ગઈ. આ સંજોગોમાં ફાયર વિભાગના જવાનોને જાણ કરાતા તેઓ વાહન સાથે ત્યાં પહોંચ્યા હતા. આશરે 48 જેટલા મુસાફરોને ફાયરવિભાગના વાહન પર બેસાડી સલામત રીતે મણિનગર ફાયરસ્ટેશન લાવવામાં આવ્યા હતા. મુસાફરોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હોવાથી તેમને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી હતી. વરસાદ અટક્યો નહીં ત્યાં સુધી આ તમામ લોકોને અહીં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા. જેથી આ મુસાફરોએ ગદગદિત થઈને ફાયર વિભાગના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button