અમદાવાદગુજરાત

AMCએ સુભાષબ્રિજ નજીક 150થી વધુ ગેરકાયદેસર ઝૂંપડા અને મકાનો તોડી નાખ્યાં

Text To Speech

અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2024, શહેરના સુભાષ બ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે 150થી વધુ ગેરકાયદેસર મકાનો અને ઝુંપડાઓ તોડવાની કાર્યવાહી AMCના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓના પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા મકાનો તોડવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ અને સ્થાનિક લોકો સાથે ઝપાઝપી થઈ હતી ત્યારબાદ પોલીસે ટોળાને કાબુમાં લઈ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી.

ખાડીયાની ચાલીમાં 150થી વધુ ગેરકાયદેસર ઝૂંપડા
શહેરના સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે ખાડીયાની ચાલીમાં 150થી વધુ ઝૂંપડા આવેલા છે. ચીમનભાઈ બ્રિજ નવો બનાવવાનો હોવાથી તમામ ગેરકાયદેસર મકાનોને તોડવા માટે આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી મહેશ તાવિયાડ અને તેમની ટીમો દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. એલ ડિવિઝન એસીપી ડી. વી રાણા અને એ ડિવિઝનના એસીપી જયેશ બ્રહ્મભટ્ટ સહિત દસથી વધુ PI , PSI અને 100થી વધુ પોલીસ કર્મીઓ સાથે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી
પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મહિલાઓ ધારણા ઉપર ઉતરી ગઈ હતી. એક કલાકની સમજાવટ છતાં પણ સ્થાનિકો માન્યા નહોતા. ત્યારબાદ પોલીસની મદદથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ પર ઉતરી આવી હતી. જેને લઇ મહિલા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી જોકે તમામને પોલીસે કાબુમાં લઈ તોડવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃAMCએ પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના જાહેર કરી, જાણો કેટલું વ્યાજ માફ થશે

Back to top button