AMC દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન વિવિધ સ્થળોએથી અતિક્રમણ પણ દૂર કરવામાં આવ્યા હતા. બહેરામપુરા વિસ્તારના નબીનગર ખાતે બેરલ માર્કેટ પાસે પરવાનગી વગર બાંધવામાં આવેલી સાત માળની ઇમારતને તોડી પાડવાનું કામ બુધવારે સવારે શરૂ થયું હતું. દાણીલીમડા પોલીસની મદદથી મહાનગરપાલિકાની ટીમ આ કાર્યવાહીમાં જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા દબાણો હટાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી પણ ખુદ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : સુરતનો લાલબત્તી સામાન કિસ્સો ! ચીકું ખાતા-ખાતા બાળકને મળ્યું મોત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ બિલ્ડીંગના એક માળનું બાંધકામ શરૂ થયું હતું ત્યારે જ મ્યુનિસિપલની ટીમે નોટિસ આપી કામ અટકાવવા જણાવ્યું હતું. બાંધકામ અટકાવવા માટે 6 વખત બાંધકામ હેઠળનું માળખું સીલ કરવામાં આવ્યું હોવા છતાં સંચાલકોએ કામ ચાલુ રાખ્યું હતું. આ બાંધકામ તોડી પાડવાની કામગીરી બુધવારથી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ઈન્દ્રપુરી વોર્ડમાં રોડ પરના બે ગેરકાયદે બાંધકામો પણ તોડી પાડ્યા હતા. આ ઉપરાંત લાંભા વોર્ડમાં આવેલા ચાર આવાસો પર પણ મ્યુનિસપાલ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. કાચા મકાનની સાઇઝના આ ચાર મકાનો કોઇપણ જાતની મંજુરી વગર બનાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ રામદેવપીરના ટેકરા પાસે નવા મકાનોની યોજના હેઠળ જૂના મકાનો તોડી પાડવાનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવ્યું હતું.