ગુજરાત

અમદાવાદથી કડીના થોળ સુધી AMTS બસ દોડાવવાનો AMCનો નિર્ણય

Text To Speech

અમદાવાદથી થોળ અભ્યારણ્યની મુલાકાતે જતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવે અમદાવાદથી કડીના થોળ સુધી AMTS બસ દોડાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. હવે પક્ષી પ્રેમીઓ સરળતાથી થોળ તળાવની મુલાકાતે જઈ શકશે. મુખ્યમંત્રીએ આ બસ સેવાનો શુભારંભ કરાવતા કહ્યું કે, ગુજરાત એટલે વિકાસનું ગ્રોથ એન્જિન, ગ્રોથ એન્જિન ત્યારે બન્યું હોય જ્યારે નાનામાં નાના માણસની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વિકાસના કામો કર્યોં હોય. આ બસ સેવા તેનું ઉત્તમ ઉદાહરણ છે.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, થોળ ગામ તેના ગાયકવાડ સરકારમાં બંધાયેલા તળાવના કારણે પક્ષીપ્રેમીઓ સહિત તમામ લોકોમાં પર્યટનસ્થળ તરીકે લોકપ્રિય બની ગયું છે. થોળ ગામના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ફાળો રહેલો છે. આ બસસેવા શરૂ થવાની સાથે જ થોળ ગામ સહિત આસપાસના ગ્રામજનોને અમદાવાદ જવામાં ખૂબ જ સરળતા રહેશે. થોળ ગામ અને અમદાવાદ વચ્ચે વિકાસના કારણે અંતર પણ દિવસે દિવસે ઘટી ગયું છે. આગામી સમયમાં થોળ મિનિ અમદાવાદ બની જશે. તેઓએ વધુમાં જણાવ્યું કે, થોળ તળાવ પક્ષી અભયારણ્ય માટે જાણીતું છું. આ પક્ષી અભયારણ્યનો લાભ પક્ષીવિદો-પક્ષીપ્રેમીઓ સાથે પ્રવાસીઓ પણ મેળવી રહ્યા છે. થોળના વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાલ દરવાજા ટર્મિનસથી થોળ ગામ (સરદાર ચોક) સુધી કુલ 5 AMTS બસ સેવામાં કાર્યરત કરવામાં આવી છે. આ 30 કિલોમીટરના રૂટ ઉપર યાત્રિકોને 35 થી 40 મિનિટે બસ ઉપલબ્ધ બનશે. મુસાફરો માટે ટિકિટની કિંમત લઘુતમ 03 રૂપિયા અને મહત્તમ 20 રૂપિયા પ્રારંભિક તબક્કે રાખવામાં આવી છે. અમદાવાદ શહેરની ભાગોળે આવેલા અગત્યનાં સ્થળો, ગ્રામ્ય વિસ્તારો સુધી AMTS બસ સુવિધા સરકારે ઉપલબ્ધ બનાવી છે. AMTS બસ સુવિધા દ્વારા આવરી લેવાતા ડભોડા હનુમાન મંદિર, અડાલજ ત્રિમંદિર, લાંભા ગામ જેવા મહત્વના સ્થળોની યાદીમાં થોળ ગામનું નામ પણ હવે ઉમેરાયું છે. AMTS દ્વારા અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની 80 લાખની વસ્તીને સિટી બસ સેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. AMTS અને BRTS બંને મળીને 950 જેટલી બસો દ્વારા નાગરિકોને પરિવહનની સુવિધા પૂરી પાડવામા આવે છે. AMTS દ્વારા કુલ 134 રૂટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દરરોજ આશરે 3.47 લાખ પ્રવાસીઓ સેવાઓનો લાભ મેળવે છે. માત્ર એટલું જ નહીં BRTSની કુલ 370 બસ પૈકી 200 જેટલી ઇલેક્ટ્રીક બસનું સંચાલન પણ કરવામાં આવી રહ્યું છે.

ડીજીટલ ઇન્ડિયાની મુહીમમાં જોડાઇને અમદાવાદ મહાનગરપાલિકાએ AMTS અને BRTS બંનેના પ્રવાસીઓ માટે ક્યુ.આર. કોડ વાળી ડિજીટલ ટિકિટની સુવિધા પણ શરૂ કરી છે, જેનાથી પ્રવાસીઓને ટિકિટની બારી પર લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના નવીન રૂટ નંબર 51 થી રાંચરડા ગામથી આગળ થોળ ગામના સરદાર ચોક સુધી લંબાવવામાં આવ્યો છે. રૂટ નંબર 51 હવેથી લાલ દરવજા ટર્મિનસથી નહેરૂ બ્રિજ, નટરાજ સિનેમા, નવંરગપુરા કોમર્સ કોલેજ, ગુરૂકુળ, હેબતપુર ક્રોસ રોડ, થલતેજ ગામ, શીલજ ગામ, રાંચરડા ગામ, ડાભલા ચોકડી, અઢાણા ગામ, સધી માતાનું મંદિર, ચંદનપુરા ચોકડી થઈ થોળ ગામના સરદાર ચોક જશે.

આ પ્રસંગે ધારાસભ્ય કરશન સોલંકી, અમદાવાદના મેયર કિરીટપરમાર, એ.એમ.ટી.એસ.ના ચેરમેન વલ્લભભાઇ પટેલ, નાયબ મેયર ગીતાબહેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર, મ્યુનિસિપલ કમિશ્નર લોચન સેહરા, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, થોળ ગ્રામ પંચાયતના સરપંચ, મહેસાણા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, ગામના સામાજિક રાજકીય અગ્રણીઓ, કડીના પ્રાન્ત અધિકારી સહિતના અધિકારીઓ, અમદાવાદ મહાનગરપાલિકાઓની વિવિધ સમિતિઓના ચેરમેનો, અગ્રણીઓ, ગ્રામજનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button