અમદાવાદગુજરાત

AMC કમિશ્નરનો આદેશઃ દબાણો હટાવો અને BU તથા ફાયર NOC વિનાની મિલકત સીલ કરો

અમદાવાદ, 26 જૂન 2024, શહેરમાં ગેરકાયદેસર દબાણો અને મંજૂરી વિનાના બાંધકામો મુદ્દે આજે મ્યુનિસિપલ કમિશનરે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.આજે મળેલી રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં BU પરમિશન અને ફાયર NOC વિનાની મિલકતો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. જો ગેરકાયદેસર બાંધકામ હોય તો તાત્કાલિક તોડી પાડવા અને BU પરમિશન ન હોય તો સીલ મારી દેવા જણાવ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં તમામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં BU પરમિશન અને ફાયર NOCને લઈને ચેકિંગ કરવા સૂચના આપી છે.

દબાણની માહિતી લારી ગલ્લાવાળાને પહેલાથી કેવી રીતે મળે છે
મ્યુનિસિપલ કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓને કહ્યું હતું કે, જ્યારે તમે દબાણ દૂર કરવા જાઓ છો તો તેની માહિતી લારી ગલ્લાવાળાઓને અગાઉથી જ મળી જાય છે. હવેથી દબાણ દૂર કરવામાં સાથે રહેતા મજૂરોના મોબાઈલ જપ્ત કરી લો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેમનગર પાસે જાહેર રોડ ઉપર ઘાસચારો ખવડાવતા હોવાનું ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનરે ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ખખડાવતા કહ્યું હતું કે, જાહેર રોડ પર ઘાસચારો આવે છે તમે ધ્યાન રાખો. શહેરના પૂર્વના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનનો દૂર કરવાની સૂચના આપી હતી.

ગાર્ડન વિભાગની મધ્યસ્થ કચેરી વચ્ચે સંકલનનો અભાવ
ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન અને BU પરમિશન અને ફાયર NOCની કામગીરી કરવા જણાવ્યું હતું.પહેલા વરસાદ બાદ હવે મચ્છરજન્ય રોગચાળોમાં વધારો થવાની શક્યતાના પગલે જ્યાં પણ મચ્છરો ઉદ્ભવવાની સંભાવના હોય એવી તમામ જગ્યાઓ ઉપર સઘન ચેકિંગ કરવાની સૂચના આપી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ‘થ્રી મિલિયન ટ્રી’ શરૂ કરવામાં આવ્યું છે. જેનું આગોતરા આયોજન નહી કરવાને લઈને મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા હતા. તેમણે અધિકારીઓને કહ્યું હતું કે તમને ખબર છે કે 30 લાખ વૃક્ષો વાવવાનું મિશન હાથ પર લેવામાં આવ્યું છે તો તેનું તમે આગોતરું આયોજન કેમ નથી કરતા. ઝોન અને ગાર્ડન વિભાગની મધ્યસ્થ કચેરી વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે.દરેક ઝોનમાં હવે વૃક્ષારોપણની કામગીરી શરૂ કરી દેવામાં આવે.

આ પણ વાંચોઃરથયાત્રા પહેલા પોલીસ એક્શનમાંઃ અમદાવાદમાં 360 ડીગ્રીના 1278 CCTV કેમેરા લગાવ્યા

Back to top button