અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2024, AMC દ્વારા ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના મૂકવામાં આવી છે. લોકો ઝડપી પ્રોપર્ટી ટેક્સ ભરી શકે અને બાકી ટેક્સ ધારકો દંડ અને સીલની કાર્યવાહીથી બચી શકે તેના માટે વ્યાજ માફીની યોજના લાવવામાં આવી છે. રહેણાંક મિલકતમાં 75 ટકા અને કોમર્શિયલ મિલકતમાં 60 ટકા વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. 15 ફેબ્રુઆરી 2024થી 31 માર્ચ 2024 સુધી જ માફીની યોજના લાગુ પડશે.
45 દિવસ સુધી વ્યાજ માફીની સ્કીમ
સ્ટેન્ડિંગના ચેરમેન દેવાંગ દાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ઝડપથી ભરે અને ભૂતકાળમાં જેમનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવો પોતાનો ટેક્સ ભરે તેના માટે થઈ 15 ફેબ્રુઆરીથી 45 દિવસ સુધી વ્યાજ માફીની યોજના અમલમાં મૂકવામાં આવશે. રહેણાંક અને કોમર્શિયલ બંને મિલકતોમાં અલગ અલગ વ્યાજમાંથી આપવામાં આવી છે. રહેણાંકમાં 75 અને કોમર્શિયલમાં 60 ટકા લાગુ કરવામાં આવશે.
ભાડું-ડિપોઝીટ 15,000 નક્કી કરવામાં આવી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરના બાપુનગર વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં AMC દ્વારા નવો પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં પાર્ટી પ્લોટનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. AMC દ્વારા પાર્ટી પ્લોટનું ભાડું અને ડિપોઝીટ રૂપિયા 30,000 નક્કી કરવામાં આવી હતી. જેમાં સુધારો કરી ભાડું અને ડિપોઝિટ 15,000 નક્કી કરવામાં આવી છે.
કોર્પોરેટરોને યુઝર ID પાસવર્ડ સાથે એક્સેસ અપાશે
AMC દ્વારા ડોર ટુ ડોર કચરાની ગાડી ક્યા વિસ્તારમાંથી કઈ સોસાયટીમાંથી કચરો ઉપાડે છે અને ગાડી કચરો લેવા ગઈ હતી કે કેમ તે અંગેની માહિતી હવે કોર્પોરેટરો જોઈ શકે તેના માટે એપ્લિકેશનમાં કોર્પોરેટરોને યુઝર ID પાસવર્ડ સાથે એક્સેસ આપવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરની સફાઈ CCTV મારફતે કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં CCTV ડિસિલટિંગનો ડેટા હવે સેન્ટ્રલાઇઝ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. CCTVના ડેટાથી ક્યા વિસ્તારમાં સફાઈ થઈ અને યોગ્ય સફાઈ થઈ કે કેમ તે તમામ અંગે યોગ્ય માહિતી મળી રહેશે.
આ પણ વાંચોઃરાજ્યમાં 10 વર્ષમાં 1.67 લાખ જગ્યાઓ પર ભરતી કરાઈ, બેરોજગારીનો દર 1.7 ટકા