AMC : એડવાન્સ ટેક્સ રિબેટ યોજના 31 મે સુધી લંબાવાઈ, 47 દિવસમાં થઈ આટલા કરોડની આવક


અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા અમલમાં મુકાયેલી એડવાન્સ ટેકસ રિબેટ યોજનાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ યોજના 31 મે સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 1 એપ્રિલથી 17 મે સુધીમાં મ્યુનિસિપલ તંત્રને તમામ ટેકસ પેટે રુપિયા 663.38 કરોડથી પણ વધુ આવક થઈ છે. અમદાવાદ શહેરના 4.19 લાખ કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો હતો. કુલ રુપિયા ૫૨ કરોડ જેટલી રકમ કરદાતાઓને રિબેટના રુપમાં આપવામાં આવી હતી. શહેરના 54 ટકા લોકોએ ટેકસ ભરવા ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમનો વિકલ્પ પસંદ કર્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 એપ્રિલથી 17 મે સુધીના સમય માટે એડવાન્સ ટેકસ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત કરદાતાઓને 12 થી 15 ટકા સુધીનુ રિબેટ આપવામા આવ્યું છે. ચાલુ વર્ષનો એડવાન્સ ટેકસ ભરનારને 12 ટકા રિબેટ આપવામા આવે છે. ઓનલાઈન પેમેન્ટ કરનારને 13 ટકા રિબેટ આપવામા આવે છે. સતત ત્રણ વર્ષથી ઓનલાઈન ટેકસ ભરતા કરદાતાઓને 15 ટકા રિબેટ આપવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે 1 એપ્રિલથી 17 મે સુધીમાં પ્રોપર્ટી ટેકસની આવક રુપિયા 602.47 કરોડ થઈ, જ્યારે પ્રોફેશનલ ટેકસની આવક રુપિયા 32.20 કરોડ અને વ્હીકલ ટેકસની રુપિયા 25.94 કરોડની આવક થતા 47 દિવસમાં તમામ ટેકસની કુલ આવક રુપિયા 663.38 કરોડથી પણ વધુ થઈ છે.
આ પણ વાંચો : 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે, યુએસ કોર્ટે આપી પ્રત્યાર્પણની મંજૂરી
ગયા વર્ષની સરખામણીમાં આ આવક 305.49 કરોડ એટલે કે 106 ટકા આવક વધુ થઈ છે. મ્યુનિસિપલ તંત્રને ટેકસરૂપી આ આવકમાં વધારો થતાં શહેરના ઘણા બધા વિકાસના કામો કરવામાં આ આવક મદદરૂપ સાબિત થશે. હવે મ્યુનિસિપલ તંત્રને પણ આવક દેખાતા યોજનાને 31 મે સુધી લંબાવવાવનો નિર્ણય કર્યો છે.