મુકેશ અંબાણીના ઘરે નાની પરી આવી, શ્લોકાએ દિકરીને જન્મ આપ્યો
અંબાણી પરિવારમાં ફરી કિલકારી ગૂંજી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે એક નાની પરી આવી છે. પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા અંબાણીએ પુત્રીને જન્મ આપ્યો છે. આકાશ અંબાણી અને શ્લોકાનું આ બીજું સંતાન છે. તેમને પૃથ્વી અંબાણી નામનો 2 વર્ષનો પુત્ર પણ છે.
અંબાણી પરિવારે એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્લોકા મહેતાની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી. NMACC લોન્ચના બીજા દિવસે શ્લોકાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો. આ પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશાએ 2022માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.
આકાશ અને શ્લોકાના લગ્ન 2019માં થયા હતા
છેલ્લા કેટલાક અઠવાડિયાથી અંબાણી પરિવાર અનેક મંદિરોમાં જતો જોવા મળ્યો હતો. શ્લોકા તેના પતિ આકાશ અંબાણી અને સસરા મુકેશ અંબાણી સાથે બાબુલનાથ મંદિર પણ ગઈ હતી. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન માર્ચ 2019માં થયા હતા.
શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન, બચ્ચન પરિવાર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર, કરીના કપૂર ખાન અને ઘણી મોટી હસ્તીઓ આકાશ અને શ્લોકાના લગ્નમાં હાજરી આપી હતી. શ્લોકા મહેતા દેશના પ્રખ્યાત હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી છે.
આકાશ અને શ્લોકા એક જ શાળામાં ભણ્યા
બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા અને બંનેનો પરિવાર ગુજરાતનો છે. આકાશ અંબાણી અને શ્લોકાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં તેમનું સ્કૂલિંગ કર્યું હતું અને તે એક જ ક્લાસમાં હતા. તેઓએ ડિસેમ્બર 2020 માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું.