‘બિપરજોય’ ચક્રવાત અંગે અંબાલાલની મોટી આગાહી; સાવચેતી જ સમસ્યાનો ઉકેલ
બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડું આગામી 24 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ આગાહીને પગલે 14 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડી શકે છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું ગુજરાત નજીક આવી રહ્યું છે. વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન છે. ત્યારે, અંબાલાલ પટેલે જણાવ્યું કે, બિપરજોય વાવાઝોડાની અસર ભારે થઈ શકે છે. બંગાળની ખાડીમાં હળવા ચક્રવાતની પણ અસર થશે. વાવાઝોડું ઓમન તરફ ન જઈ શકે કેમ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે, તેનો ભેજ પૂર્વ તરફ ખેંચાઈ જાય છે. જેના કારણે અનુમાન મુજબ,વાવાઝોડું ઓમાનને બદલે ગુજરાત કાંઠા નજીક આવવાની સંભાવના છે.
બિપરજોય વાવાઝોડાના કારણે દરિયામાં 220 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.પ્રતિ કલાકે 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેજ પવનની સાથે વરસાદ થવાની પણ શક્યતા છે. આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં 70-80 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે.પોરબંદર, સોમનાથ, વેરાવળ, ગીર, ભાવનગર, દક્ષિણ કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે. સાથે જ દક્ષિણ ગુજરાતનો દરિયો પણ તોફાની બનશે.