ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજીનો ગબ્બર આદ્ય શક્તિ અંબાનું મૂળ પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા

અંબાજી, 02 સપ્ટેમ્બર 2024, મંદિરની પશ્ચિમ દિશામાં ૩ કિ.મી.ના અંતરે ગબ્બર પર્વત આવેલો છે. આ સ્થાન માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા છે. ગબ્બર પર્વત ઉપર માતાજીનું મંદિર છે. ગબ્બર ચડવા માટે ૯૯૯ પગથીયાં છે તથા ઉડન ખટોલા, રોપ-વે ની પણ સગવડ છે. ત્યાં અખંડ દિપજયોત ઝળહળે છે. અંબાજી યાત્રાધામમાં ગબ્બર પર્વતનો ઈતિહાસ ભવ્ય રીતે સંકળાયેલો છે.

“જે ચડે ગબ્બર, તે બને જબ્બર ” એવી લોક ઉક્તિ પણ પ્રચલિત છે. ગબ્બર જવાના માર્ગે પગથીયાં, પાણીની પરબો, રેલીંગ, વિશ્રામ કુટિરો વગેરેની વ્યવસ્થા છે. અંબાજી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર ચડી પોતાની યાત્રા પૂર્ણ થઈ હોવાનો સંતોષ અનુભવે છે. ગબ્બર પર્વત ઉપર માતાજીના હિંડોળાનો અવાજ સાંભળવાની માઇભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે. અહીં મુખ્ય મંદિરે દર્શન કર્યા પછી ગબ્બર દર્શને ન જાય તેની યાત્રા અધૂરી ગણાતી હોવાની શ્રદ્ધાને કારણે મા અંબાના દર્શન કરીને દરેક માઇભક્ત ગબ્બરના દર્શન કરવા અચૂક જાય છે.

ભાગ્યશાળી શ્રદ્ધાળુઓને આજે પણ ગબ્બર ઉપર માતાજીના હિચકાનો અવાજ જરૂર સંભળાય છે એવી લોકોની આસ્થા છે. ગબ્બર પર્વત ઉપર જતા પગદંડીવાળા માર્ગ ઉપર વચ્ચે શ્રદ્ધાળુઓ પર્વતના પથ્થરની દિવાલ ઉપર કાન જરૂર ધરે છે. ગબ્બર પર્વત વિશે પુરાણોમાં થયેલા ઉલ્લેખ મુજબ માતા સતિના દેહના ટુકડા પૈકી માતાજીના હૃદયનો ભાગ અહિં પડ્યો હતો. બીજી એક કથા એવી છે કે, મા જગદંબા ગબ્બર ગઢના સોના હિંડોળે ઝુલતાં હતા ત્યારે એક ગોવાળ તેમની ગાય ચારી ચરામણ લેવા ગયો હતો. જેને માતાજીએ સુંપડું ભરીને જવ આપ્યા, પરંતુ ગોવાળે જવના દાણા રસ્તામાં જ ઢોળી દિધા, ઘરે જઇને જોયું તો, તેની પછેડી માં કેટલાક દાણા ચોટેલા હતા તે સોનાના હતા.

પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના સંઘ પગપાળા તેમજ વાહનો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાદરવી પુનમના દિવસે અહી મેળાનું આયોજન થાય છે. અંબાજી ગામ શણગાર સજે છે. આ દિવસે ‘શતચંડી યજ્ઞ’ કરવામાં આવે છે અને માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. ગબ્બર માતાજીનું પ્રાગટ્ય સ્થળ હોવાની માન્યતા છે. ભાગવતના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રીકૃષ્ણની બાબરી-ચૌલકર્મ વિધિ આ સ્થળે કરાઈ હતી.

અંબાજી શકિતપીઠ અને ગબ્બર પ્રત્યેની કરોડો માઈભક્તોની આસ્થાને ધ્યાને લઈ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ. ૬૨ કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ ૫૧ શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.આમ તો કોઇપણ વ્યક્તિને તેના જીવનમાં તમામ ૫૧ શકિતપીઠોનાં મંદિરોનાં દર્શન કરવા મુશ્કેલ હોય છે પરંતુ હવે અંબાજી જઈને એક જ સ્થાને ૫૧ શકિતપીઠોના દર્શન કરવાનો લ્હાવો માઇભકતોને મળે છે.

આ પણ વાંચોઃઅંબાજી ખાતે ભાદરવી પુનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ

Back to top button