અંબાજીમાં દીપડાના ડર સામે પરિક્રમાર્થી ભક્તોની શ્રદ્વા ભારે, જાણો શું કહે છે દર્શનાર્થીઓ
- અંબાજીમાં ભક્તોને નથી દિપડાનો ડર
- સાક્ષાત માતાજીની રખેવાળી હોય ત્યાં દીપડાનો શું ડર – શ્રદ્વાળુ
છેલ્લા ત્રણ દિવસથી અંબાજી ગબ્બર શક્તિ પીઠ પરિક્રમા પર દીપડાના ફેલાયેલા ભયના વાતાવરણ વચ્ચે મંગળવારે એટલે કે ત્રીજા દિવસે યાત્રિકોમાં કોઈ જ ભયની લાગમી જોવા મળતી નહોતી. વહેલી સવારથી જ એકાવન શક્તિ પીઠના પુજારીઓ પણ પોતાના કાર્યસ્થળ પરના મંદિરો પર રાબેતા મુજબની પૂજા અર્ચના કરી હતી. તો બપોરનો ભોગ પણ માતાજીને ચડાવ્યો હતો.
પુજારીઓના જણાવ્યાં મુજબ શક્તિપીઠ પર યાત્રિકોની સંખ્યા પણ છૂટીછવાઈ રહી હતી. સામાન્ય રીતે રવિવાર અને રજાના દિવસો સહિત પૂનમના દિવસે યાત્રિકોની સંખ્યામાં વધારો જોવા મળે છે. રાજસ્થાન સહિત બનાસકાંઠાના પશ્ચિમ ભાગના યાત્રિકોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી.
લાખણીના દર્શનાર્થી ભેરુભાઈએ જણાવ્યું હતું કે, સાક્ષાત માતાજીની રખેવાળી હોય ત્યાં દીપડાનો શું ડર? પૂરી પરિક્રમા કરી હરખ ભેર પરત આવ્યા હતા. જ્યારે ગબ્બરના સ્થાનિક પરેશભાઈ જોશી સહિત અન્ય વનવાસી અને માલધારીઓએ તો જણાવ્યું કે, આ તો જૂના જમાનાનું બોરિયાનનું જંગલ છે. ભૂતકાળમાં તો અહીં વાઘ અને ચિત્તા ફરતા હતા. પણ ક્યારેય કોઈ માનવો ભોગ નથી લીધો.
મહત્વનું છે કે, થોડાક દિવસ પહેલા યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો. દીપડો દેખાવાનો વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગ સહિતનું તંત્ર એક્ટિવ થઈ ગયું છે. અને વનવિભાગ દ્વારા દીપડો પકડવા માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે તો બીજી તરફ દીપડાના ભયના કારણે પરિક્રમા માર્ગને બંધ કરવામાં આવ્યો છે. 51 શક્તિપીઠ પરિક્રમાનો માર્ગ 4 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : અંબાજી ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા ભારે ચકચાર, શક્તિપીઠ પરિક્રમા માર્ગ કરાયો બંધ