ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝધર્મ

મંદિરને નડી મોંઘવારી : અંબાજીના ‘મોહનથાળ’ પ્રસાદના ભાવમાં વધારો

Text To Speech

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા અંબાજીમાં પ્રસાદમાં અપાતા મોહનથાળના ભાવમાં મંગળવારથી વધારો કરવામાં આવ્યો છે. જેમાં ઘી અને ચણા દાળના ભાવ વધતા પ્રસાદની કિંમતમાં ભાવ વધારો કરાયો હોવાનું સામે આવ્યું છે

ambaji temple
ambaji temple

ઘી અને ચણાની દાળના ભાવ વધતા પ્રસાદની કિમતમાં કરાયો વધારો 

આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મહા મેળો આવી રહ્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં મા અંબાના દર્શને માઇભક્તો પદયાત્રા થકી આવે છે. તે સિવાય વર્ષેદાડે પણ હજારો ભાવિકો માના દર્શને આવે છે. તેઓ મંદિરમાં મળતા મોહનથાળ ના પ્રસાદને ઘરે પણ લઈ જતા હોય છે. મા અંબાના મોહનથાળના પ્રસાદનો પણ અનેરો મહિમા છે. તેનો સ્વાદ ભાવિકો પસંદ કરે છે. ત્યારે મંદિરમાં નાના, મીડિયમ અને મોટા પ્રસાદના પેકેટ અનુક્રમે રૂપિયા 15, 25 અને 50 માં મળતા હતા. જેમાં હવે વધારો કરીને રૂપિયા 18, 28 અને 52 કરવામાં આવ્યા છે. આ પ્રસાદના પેકેટ હવે નવા ભાવથી ભાવિકોને મળશે. નવા ભાવનું પત્રક પણ પ્રસાદના કાઉન્ટર ઉપર લગાવવામાં આવ્યું છે. જોકે મંદિરના સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર ઘી અને ચણાની દાળના ભાવમાં વધારો થયા બાદ પ્રથમવાર જ પ્રસાદમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિરની કરોડોની આવક

દેશ- વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો માં અંબાના દર્શને આવે છે અને માઈ ભક્તો તેમજ દાતાઓ મંદિરને સોનાની ભેટ પણ ધરે છે. વરસે કરોડની આવક મંદિર ટ્રસ્ટને થાય છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ મંદિર દ્વારા ભાવિકોને વિના મૂલ્ય મળે તેવી વ્યવસ્થા કરવી જરૂરી હતી. તેવું શ્રદ્ધાળુઓનું માનવું છે. થોડા સમય પહેલા જ વિનામૂલ્યે ભોજન પ્રસાદ  ‘જલિયાણ’ સંસ્થાને પ્રાયોગિક ધોરણે ચલાવવા આપવામાં આવ્યું હતું. જેમાં 8:50 લાખ લોકોએ ભોજન પ્રસાદ વિનામૂલ્ય ગ્રહણ કર્યો હતો. તો  મોહનથાળનો પ્રસાદ મંદિરે વિના મૂલ્ય ભાવીકોને આપવો જોઈએ તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

Back to top button